જે નામો ચાલી રહ્યા હતા તેના કરતાં અલગ જ નામ આવ્યું, આશા લઈને બેઠેલા લોકોના ચહેરા પડી ગયા
વડોદરા શહેર ભાજપમાં છેલ્લા ઘણા સમયથી કશું સમું સુતરુ ચાલી રહ્યું નહોતું. રોજ કોઈને કોઈ નવા નવા વિવાદો ઊભા થઇ રહ્યા હતા. સંગઠન પ્રમુખ ડો. વિજય શાહનો સાંસદ અને ધારાસભ્યો તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે કશો મનમેળ નહોતો. વડોદરા શહેરના લોકો પાસે મત આપવા માટે ભાજપ સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં હોવાથી ચૂંટણીઓ તો સ્વાભાવિકપણે ભાજપ જીતતું આવ્યું પરંતુ રોજે રોજના ડખાથી ભાજપની આબરૂનું ધોવાણ થઈ રહ્યું હતું. સંગઠનની પકડ ડૉ. વિજય શાહના હાથમાંથી સરી ગઈ હતી. હાલત એ હદે ખરાબ થઈ ગઈ હતી કે ભાજપ પ્રમુખની સૂચનાનું પાલન સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પણ કરતા નહોતા. ડો. વિજય શાહે પોતાનો દબદબો જળવાય રહે તેવા તમામ પ્રયત્નો કરી લીધા, પરંતુ આ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. જૉકે વિજય શાહના વિરોધીઓ પણ ખુશ થવા જેવું નથી. કેમકે જે નામો ચર્ચામાં હતા એનાથી વિપરીત ભાજપે સાવ નવો જ ચહેરો લાવીને પ્રમુખપદે મૂકી દીધો છે. ડો. જયપ્રકાશ સોની સંઘના સ્વયંસેવકોમાં જાણીતું નામ છે, પરંતુ ભાજપના ઘણા બધા કાર્યકરો પણ આશ્ચર્યમાં હતા કે નવા પ્રમુખ આખરે છે કોણ.
ડૉ. જયપ્રકાશ મહેશભાઈ સોની બાળપણથી સંઘના સ્વયંસેવક છે. પીએચડી અને એમબીએ થયેલા છે. સંઘમાં મહાનગર કાર્યવાહ તરીકે સંગઠનના સર્વોચ્ચપદની જવાબદારી વહન કરી ચૂક્યા છે. જોકે, સંઘ અને ભાજપના સંગઠનમાં હવે ઘણો મોટો ભેદ છે. સંઘના સ્વયંસેવકો સમર્પિત ભાવથી કામ કરે છે. અહીં અનુશાસનથી કામ થાય છે. જયારે ભાજપમાં જે કાર્યકરોનો નવો ફાલ આવ્યો છે તેને સંઘની વિચારચારા સાથે કોઈ સંબંધ નથી. અહીં માત્ર સ્વાર્થ અને સત્તાકેન્દ્રી રાજકારણ ચાલે છે. કોને કેવી રીતે પાડી દેવા અને પોતાના માણસોને કેવી રીતે ગોઠવી દેવા તેના ખેલ ખેલાતા રહે છે. તેવા સમયે નવા પ્રમુખ માટે કામ કરવું ખૂબ પડકારજનક બની જશે. ભાજપના ચૂંટાયેલા નેતાઓમાં ઘણા બધા સિનિયર લોકો છે. આ લોકો સાથે પણ તાલમેલ બેસાડવો પડશે.
એક વાત તો નિશ્ચિત છે કે વડોદરા ભાજપમાં જે કંઇ ચાલી રહ્યું હતું તેની પ્રદેશ ભાજપના સંગઠને ગંભીર નોંધ લઈ આ પરિવર્તન કર્યું છે. આવનારા સમયમાં હજુ મોટા પાયે ભાજપમાં સાફ સૂફી થાય એવી શક્યતા નકારી શકાતી નથી.
