Vadodara

સંગમ પાસે પાણીની મુખ્ય લાઈન ફાટતા ભર શિયાળે વરસાદી માહોલ સર્જાયો :


સંગમ રોડ સોનીની વાડી પાસે સોસાયટીમાં પાણી ફરી વળતા નદી વહેતી થઈ :

પાણી નહિ મળેની પાલિકા તંત્રની જાહેરાત વચ્ચે હજારો લીટર પાણીનો વેડફાટ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.27

વડોદરા શહેરમાં કેટલાક વિસ્તારોમાં પીવાનું દૂષિત પાણી મળતું હોવાની બુમરાણો વચ્ચે હરણી રોડ પર સોનીની વાડી પાસે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા આસપાસની સોસાયટીઓમાં પાણીની રેલમછેલ થઈ હતી. નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.

વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર નગરજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. ખાસ કરીને પ્રથમ જરૂરિયાત એવી પીવાનું શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી લોકોને મળતું નથી. જેની અનેક ફરિયાદો વોર્ડ કચેરી અને પાલિકાની મુખ્ય કચેરીમાં જે તે વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવતી હોય છે. લોકો દ્વારા પાણી આપોની માંગ સાથે મોરચા પણ મંડાતા હોય છે, તો બીજી તરફ પાલિકામાં પણ એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડી રહ્યા છે.

જ્યારે, પાલિકા તંત્ર વિકાસના નામે બણગા મારી રહ્યું છે. ત્યારે શહેરના હરણી રોડ પર આવેલી સોનીની વાડી બહાર પીવાના પાણીની મુખ્ય લાઈન ફાટતાં પાણીની રેલમછેલ થઈ છે. નાગેશ્વર મહાદેવ મંદિરની આસપાસની સોસાયટીઓમાં પાણી ફરી વળતા ભર શિયાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ચારે બાજુ પાણી પાણીના દ્રશ્યો સર્જાયા છે.

એક તરફ પાલિકા દ્વારા શહેરમાં ત્રણ દિવસ પાણી નહીં મળે તેવી જાહેરાત કરવામાં આવે છે, તો બીજી તરફ પાણીની લાઈનોમાં ભંગાણ થતા પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આજે પણ હરણી રોડ પર સોનીની વાડી પાસે પીવાના પાણીની લાઈનમાં પડેલા ભંગાણને કારણે હજારો ગેલન પાણીનો વ્યય થયો હતો. જ્યારે સ્થાનિક લોકોને પણ સોસાયટીમાં અવરજવર કરવા માટે ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી.

Most Popular

To Top