એસીમાં સ્પાર્ક બાદ આગ લાગ્યાનું અનુમાન
પાણીગેટ ફાયર સ્ટેશનની તાત્કાલિક કાર્યવાહી, આગ પર કાબુ
સદનસીબે કોઈ જાનહાનિ નહિ, પાર્લરમાં નુકસાનની શક્યતા
(પ્રતિનિધિ) વડોદરા, તા. 18
વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા નજીક આવેલા “મેક ઓવર બાય તનુજા” નામના બ્યુટી પાર્લરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અચાનક અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડા દેખાતા આસપાસના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
વડોદરા શહેરમાં આગ લાગવાના બનાવો યથાવત રહેવા પામ્યા છે. ગત રાત્રીએ વધુ એક આગની ઘટના સામે આવી હતી. બ્યુટી પાર્લરમાં અચાનક આગ લાગતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી.
પાણીગેટ ફાયર સ્ટેશનની ઝડપી કાર્યવાહી
બનાવની જાણ થતાં જ પાણીગેટ ફાયર સ્ટેશનના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી અને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી.
સબ ફાયર ઓફિસરનું નિવેદન

પાણીગેટ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર નરેશ માળીએ જણાવ્યું હતું કે, “કંટ્રોલ રૂમમાંથી અમને કોલ મળ્યો હતો કે સંગમ ચાર રસ્તા પાસે જલારામ ખમણ હાઉસની બાજુમાં આવેલ એક પાર્લરમાં આગ લાગી છે. અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ કંટ્રોલમાં લઈ લીધી છે. કોઈ જાનહાનિ થઈ નથી અને કુલિંગ કરીને પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં લેવામાં આવી છે.”
એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન

ફાયર વિભાગના પ્રાથમિક નિરીક્ષણ અનુસાર આગ એસીમાં શોર્ટ સર્કિટ થવાથી લાગી હોવાનું અનુમાન છે. એસીમાં સ્પાર્ક થતા આગ ફેલાઈ હોવાનું જણાઈ આવ્યું છે.
પાર્લરમાં નુકસાન, તપાસ ચાલુ

આગની આ ઘટનામાં બ્યુટી પાર્લરમાં સાધન-સામગ્રીને નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સદનસીબે, ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, જેથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.