સંવેદનશીલ વિસ્તાર હોય પોલીસ સાથે SRP જવાનો પણ સાથે રાખવામાં આવ્યા હતા
સતત બીજા દિવસે સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ- બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી કરવામાં આવતાં લોકોનાં ટોળાં એકઠા થયાં હતાં. જ્યારે ફતેપુરા વિસ્તારના મુખ્ય રોડ પર દબાણ શાખા ની ટીમ ત્રાટકી હતી. પરિણામે ગેરકાયદે અડિંગો જમાવીને વેપાર-ધંધો કરનારા અને લારીધારકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ રોડ ઉપર ખાણીપીણીનું મોટું બજાર બની ગયું હતું. નાસભાગ મચતાં દબાણ શાખાની ટીમે ચારેય બાજુથી કવર કરી કેટલીક લારીઓ સહિત ગલ્લાના દબાણો મળી એક બે જેટલો પરચુરણ માલ-સામાન કબ્જે કરતાં વિસ્તારમાંથી પસાર થતાં વાહનચાલકોને રસ્તો ખુલ્લો મળી ગયો હતો.

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા છેલ્લા કેટલાંક સમયથી રસ્તામાં આવતા અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુરુવારે પાલિકાની દબાણ શાખાએ વહેલી સવારે ફતેપુરા થી સંગમ ચાર રસ્તા સુધીના દબાણો હટાવવા પોહચી હતી. રોડ ઉપર વહેલી સવારે જામતા ખાણીપીણીનાં સ્ટોલ-લારીઓના, દુકાન બહાર મૂકેલો સામાન , લટકણિયાં જેવા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પાલિકાની દબાણ શાખા દ્વારા બે ટ્રક ભરીને માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો. કેટલાક દુકાનદારોએ સ્વૈચ્છિક રીતે પોતાનાં દબાણો દૂર કરી દીધાં હતાં.તો બીજી તરફ દુકાનદારો દ્વારા બનાવી દેવામાં આવેલા કાચા-પાકા શેડનાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં.

આજ વિસ્તારમાં પેહલા દબાણ શાખા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ત્યારે દુકાનદારો સાથે દબાણ શાખા ની ટીમ જોડે ઘર્ષણ થયું હતું જેને લઇને પોલીસ-બંદોબસ્ત સાથે SRP ના જવાનો પણ સાથે રાખવામાં આવ્યા હતા.
