Vadodara

સંગમથી પંચશીલ જતી વખતે ધવલ ચાર રસ્તા પાસે વગર વરસાદે પડ્યો ભૂવો



વડોદરા ચોમાસામાં વરસાદ દરમિયાન રસ્તા પર ભુવા પડ્યાનું સાંભળ્યું છે, પણ તમે ક્યારેય સાંભળ્યું છે કે વગર વરસાદે પણ ભૂવો પડ્યો હોય. જી હા, આવો જ કૈક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. વડોદરા શહેરમાં રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ થોડા દિવસ પહેલા જ પાલિકાના વિરોધ પક્ષે કર્યો હતો. આ આક્ષેપ બાદ આજે સંગમથી પંચશીલ જતા ધવલ ચાર રસ્તા વિસ્તારમાં અચાનક ભૂવો પડી જતા રસ્તાની કામગીરીમાં વેઠ ઉતાવતી હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે. વગર વરસાદે ભુવામાં પીકપ વાન ફસાતા લોકોમાં આશ્ચર્ય સાથે રોષ જોવા મળ્યો હતો.



વડોદરામાંથી સત્તાવાર રીતે ઉનાળાની સીઝન ચાલુ છે. ભરઉનાળે વરસાદ ન હોવા છતાં ગત રાત્રીના સમયે શહેરના સંગમ ચાર રસ્તાથી પંચશીલ થઈ ધવલ ચાર રસ્તા પાસેના વિસ્તારમાં મુખ્ય માર્ગ પર એક ભુવો પડી ગયો હતો. જેથી વાહનચાલકોમાં ભારે આશ્ચર્ય સાથે ફફડાટ જોવા મળ્યો હતો. લોકોમાં ભુવાના કારણે ચર્ચાનો વિષય બની ગયો હતો અને કેટલાક લોકોએ પાલિકા તંત્રની કામગીરી પર પણ સવાલો ઊભા કર્યા હતા.
ગત રોજ ધવલ ચાર રસ્તા ખાતે મેઈન રોડ પર ભર ઉનાળામાં ભુવો પડતાં પીક અપનુ ટાયર ફસાઈ જવા પામ્યું હતું. લોકો નું કહેવું છે જો આ ઘટના દિવસ દરમિયાન બની હોત તો પીક અવર્સમાં ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ હોત અને નાગરિકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હોત. હાલ થોડા સમય પહેલા જ પાણી અને ડ્રેનેજની પાઇપલાઇન નાખવાનું કામ આ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું અને તેના નજીક જ ભુવામાં પીકપ વાન ફસાતા ભારે સમસ્યા ઊભી થઈ હતી અને જેને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Most Popular

To Top