નવા ઇજારા સાથે જુની સ્થિતિ યથાવત રાખવા આદેશ, જૂની સંસ્થાઓ સેવા આપતી રહેશે
વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સ્મશાનો ખાનગી સંસ્થાઓને ચલાવવા માટે આપવાના કરાયેલા નિર્ણય પર હવે નવો વળાંક આવ્યો છે. સ્મશાનોમાં કરોડો રૂપિયાનું સંચાલન ખાનગી સંસ્થાઓને સોંપવાનો નિર્ણય પાલિકા દ્વારા લેવાયો હતો, જેને લઈને ભારે વિરોધ થયો. હવે આ વિરોધને ધ્યાને લઈને શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ પત્રકાર પરિષદ બોલાવી જાહેરાત કરી છે કે સ્મશાનમાં અગાઉથી જે રીતે ટ્રસ્ટો સેવા આપતા હતા, તે સ્થિતિ પણ યથાવત રહેશે. આના કારણે શહેરમાં ફરી એકવાર ચૂંટાયેલી પાંખ ઉપર સંગઠનની સર્વોપરિતા પુરવાર થઇ છે. વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે પણ ફરીવાર પોતાનું ધાર્યું કરાવ્યું છે.
શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું કે, ખાસવાડી, વડીવાડી અને માંજલપુર ખાતે જલારામ સેવા ટ્રસ્ટ, છાણીમાં સતીશ પટેલના ટ્રસ્ટ અને નિઝામપુરા ખાતે ભૂતપૂર્વ મેયર ભરત શાહ દ્વારા સંચાલિત સ્મશાનોની પૂર્વ સ્થિતિ જળવાઈ રહેશે. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે કોઈ વ્યક્તિ કે સંસ્થા સેવા આપવા માંગે તો તેને નકારી ન શકાય.
પાલિકા જનતાને સેવા આપવા માટે છે અને જે કાર્ય સેવા રૂપ છે, તેમાં સહયોગ લઈ શકાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પાલિકા જે લોકો અને સંસ્થાઓ સ્મશાન સંચાલન કરી રહી હતી, તે જ રીતે આગામી દિવસોમાં પણ કામકાજ ચાલુ રાખશે. ટ્રસ્ટો સાથે ચર્ચા થઈ છે અને પાલિકા તરફથી પણ સહયોગ મળશે. કોઈ સંસ્થા સેવાને લઈને આગળ આવે તો તેને તક આપવી જોઈએ. લોકશાહીમાં લોકો સર્વોપરી છે અને લોકોની લાગણીને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાયો છે.
હાલમાં શહેરમાં કુલ 27 સ્મશાનો પાલિકા સંચાલિત કરે છે અને 4 સ્મશાનો ટ્રસ્ટો સંચાલિત કરતા હતા, જે હવે યથાવત રહેશે. આ નિર્ણય પાછળ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનું દબાણ પણ મહત્વનું ગણાય છે, અગાઉ ધારાસભ્યે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી પડતર નિર્ણય પર પુનર્વિચારની માંગ કરી હતી. હવે શહેર ભાજપ પ્રમુખની જાહેરાત પછી એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે, સ્થાયી સમિતિએ લીધેલા નિર્ણયને ભાજપ પ્રમુખે ફેરવી ટોળ્યો છે.