Vadodara

શ્રી વાજપાઈ બેંકેબલ યોજના પ્રચારના અભાવે અનેક યુવાનો લાભથી વંચિત

પ્રચાર અને માર્ગદર્શન વધારવાથી વડોદરાના હજારો બેરોજગાર યુવાનો આ યોજનાનો લાભ લઈ શકે

ગુજરાત સરકાર રાજ્યના બેરોજગાર યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે. શ્રી વાજપાઈ બેંકેબલ યોજના એ એવી જ એક મહત્ત્વપૂર્ણ યોજના છે, જે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેલા યુવાન-યુવતીઓને સ્વરોજગારી પૂરી પાડવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ યોજના થકી ખાસ કરીને કુટિર ઉદ્યોગના કારીગરો, દિવ્યાંગ, પ્રજ્ઞાચક્ષુ યુવાનો અને અન્ય લોકોને નાણાકીય સહાય દ્વારા તેમની રોજગાર ક્ષમતા વધારવાની તક મળે છે.

આ યોજનાનો લાભ લેવા માટે 18 થી 65 વર્ષની વયના નાગરિકો પાત્ર ગણાય છે. લાયકાત માટે ઓછામાં ઓછું ધોરણ 4 પાસ હોવું જરૂરી છે, અથવા ઓછામાં ઓછા 3 મહિનાની ખાનગી સંસ્થા કે 1 મહિનાની સરકાર માન્ય સંસ્થાની તાલીમ હોય તો પણ ફાયદો મેળવી શકાય છે. જો કોઈ વારસાગત કારીગર હોય કે 1 વર્ષનો વ્યવસાયિક અનુભવ ધરાવતા હોય, તો તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનામાં આવક મર્યાદાનો કોઈ બંધન નથી, એટલે કે કોઈપણ આર્થિક વર્ગના નાગરિકો આ યોજના હેઠળ લોન મેળવી શકે છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે રૂ. 8 લાખ સુધીની લોન આપવામાં આવે છે, જે આર્થિક રીતે નબળા વર્ગ માટે ખૂબ જ સહાયક છે. સાથે રૂ. 1.25 લાખ સુધીની મહત્તમ સબસિડી પણ આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનો અને કારીગરોને નાણાકીય સહાય પૂરી પાડીને એમને રોજગારીમાં આગળ વધારવાનો છે.

વડોદરા જિલ્લાની વાત કરવામાં આવે તો 1 એપ્રિલ 2024 થી 31 ડિસેમ્બર 2024 દરમિયાન વડોદરા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને કુલ 2201 અરજીઓ મળી હતી. આ પૈકી 1928 અરજીઓ મંજૂર કરવામાં આવી, જેનો અર્થ એ થયો કે આવેલી અરજીઓમાં મહત્તમ લોકોને આ યોજનાનો લાભ મળ્યો. આ અરજીઓમાં અંદાજે 8 કરોડથી વધુની લોન મંજૂર કરવામાં આવી. તેમ છતાં, હજી પણ હજારો લોકો સ્થાનિક તંત્રના ચોક્કસ પ્રચાર પ્રસારના અભાવથી આવી સરકારી યોજનાઓ વિશે અજાણ હોવાથી તે લાભ મેળવી શકતા નથી.

સરકાર દ્વારા શ્રી વાજપાઈ બેંકેબલ યોજના માટે મોટા પાયે સહાય આપવામાં આવે છે, છતાં મર્યાદિત પ્રચાર અને યોગ્ય માર્ગદર્શનના અભાવે ઘણા લાભાર્થીઓ આ યોજનાથી વંચિત છે. વધુમાં વડોદરા જિલ્લાના ઉદ્યોગ કેન્દ્રમાં આસિસ્ટન્ટ કમિશ્નરની જગ્યા માટે પણ કોઈ કાયમી અધિકારી નથી. ઘણા નાગરિકો, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો, આ યોજનાની શરતો અને અરજી પ્રક્રિયા વિશે જાણતા જ નથી. ઘણા કારીગરો અને યુવાનોને બેંકોમાં અરજી કરવા કે કયા દસ્તાવેજો જરૂરી છે, તેની સ્પષ્ટતા નથી.

આ યોજના માત્ર નાણાકીય સહાય પૂરતી મર્યાદિત નથી, પણ ગુજરાતના યુવાનોને આત્મનિર્ભર અને સ્વરોજગારી તરફ દોરી જવા માટે શ્રેષ્ઠ તક છે. જો આ યોજનાનો વધુ પ્રચાર કરવામાં આવે, તો આર્થિક રીતે નબળા વર્ગ માટે આ એક ઉત્તમ સવલત સાબિત થઈ શકે છે. શ્રી વાજપાઈ બેંકેબલ યોજના રાજ્યની મહત્વની યોજના છે, જેનાથી હજારો યુવાનો રોજગારી મેળવી શકે છે. પરંતુ સ્થાનિક અધિકારીઓ અને કર્મીઓની અજ્ઞાનતા, બેદરકાર પ્રચાર અને માર્ગદર્શનના અભાવે ઘણા લાભાર્થીઓ તેનાથી વંચિત રહે છે. જો સંબંધીત તંત્ર દ્વારા યોગ્ય માર્ગદર્શન અને જાગૃતિ વધારવામાં આવે, તો આ યોજના ગુજરાતના હજારો યુવાનો માટે આત્મનિર્ભરતાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.

Most Popular

To Top