2019નો વાયદો 2026માં પણ અધૂરો; ભોગ બનનાર ગ્રાહકોએ ન્યાય માટે પોલીસ કમિશનર સુધી દોડ લગાવી



વડોદરાના અટલાદરા-પાદરા મેઈન રોડ પર આવેલા ‘શ્રી બાલાજી સ્કાયરાઈઝ’ પ્રોજેક્ટમાં રોકાણ કરનારા ગ્રાહકો સાથે કરોડોની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવતા શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. માનવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટમાં ગ્રાહકોની જાણ બહાર તેમની ખોટી સહીઓ કરી દસ્તાવેજોમાં છેતરપિંડી કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, માનવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા વર્ષ 2016-17ની આસપાસ આ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. ડેવલપર્સ દ્વારા ગ્રાહકોને લેખિતમાં ખાતરી આપવામાં આવી હતી કે 30 નવેમ્બર, 2019 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરી કબજો સોંપી દેવામાં આવશે. જોકે, એપ્રિલ 2026 સુધી પણ પ્રોજેક્ટનું કામ પૂર્ણ થયું નથી. રોકાણકારોનો આક્ષેપ છે કે બિલ્ડરે લોકો પાસેથી મનગમતા ભાવે નાણાં ઉઘરાવી લીધા છે, પરંતુ કામ આગળ વધતું નથી.
પીડિત ગ્રાહકો પૈકીના રોહન લોડાયા અને અન્ય સભ્યોએ જણાવ્યું હતું કે, ઓફિસ નંબર 411ના સોદામાં તેમની જાણ બહાર ખોટી સહીઓ કરીને નાણાકીય છેતરપિંડી આચરવામાં આવી છે. ગ્રાહકોનો દાવો છે કે ડેવલપર્સે રેરાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને ફાઈનાન્શિયલ ગેરરીતિઓ આચરી છે. રોકાણકારોએ આશંકા વ્યક્ત કરી છે કે આ પ્રોજેક્ટ 100 કરોડથી વધુનો છે અને બિલ્ડરની અન્ય સાઈટો ગણતા આ આંકડો 1000 કરોડ સુધી પહોંચી શકે છે.
ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે કે તેઓ મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને રેરા કચેરી સુધી રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પીડિતોનું કહેવું છે કે પોલીસ અને અન્ય વિભાગો માત્ર મૌખિક જવાબો આપી રહ્યા છે. સીપીગ્રામ પર કરવામાં આવેલી ફરિયાદમાં પણ સંતોષકારક જવાબ મળ્યો નથી, જેના કારણે રોકાણકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રોકાણકારોએ વધુમાં જણાવ્યું હતું કે માનવ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વેબસાઈટ પણ હાલમાં ડાઉન છે અને કંપનીએ તેના ફાઈનાન્શિયલ રિટર્ન ફાઈલ કર્યા નથી. એવી આશંકા છે કે લોકોના પૈસા અન્ય પ્રોજેક્ટ્સ કે અંગત ખાતામાં ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. હાલમાં અંદાજે 200 થી 250 જેટલા ગ્રાહકો આ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું અનુમાન છે.