Vadodara

શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ દ્વારા સતત 10મા વર્ષે ભવ્ય આયોજન કરાયું

શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ દ્વારા સતત 10મા વર્ષે શહેરના સમા સાવલી રોડ ખાતે આવેલા એસ.બી.ફાર્મ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું

બહારથી વડોદરામાં પ્રવેશતા દુમાડ ચોકડી પાસે માતા નવદુર્ગાના નવ સ્વરૂપો સાથે કલાનગરીની ઓળખ સાથેના રજવાડી ગેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે

પાર્કિંગ, બેઠક, ગરબા રમવાની વધુ ક્ષમતા,ફૂડ કોર્ટ, આરોગ્ય અંગેની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે

શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ દ્વારા સતત દસમા વર્ષ શહેરના સમા સાવલી રોડ સ્થિત એસ.બી.ફાર્મ ખાતે પ્રથમવાર આ વિસ્તારમાં શારદીય નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં વાહન પાર્કિંગ, સુરક્ષા વ્યવસ્થા, બેઠક, મેડિકલ,ફાયર સેફ્ટી, ફૂડ કોર્ટ જેવા તમામ સુવિધાઓ સાથે ગરબાનું આયોજન કર્યું છે જેમાં મોટી સંખ્યામાં ગરબા રસિકો રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે

સંસ્કારી નગરી, કલાનગરી તરીકે ઓળખાતી વડોદરા નગરીમાં શારદીય આસો નવરાત્રિનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. કલાનગરી ના ગરબા માત્ર વડોદરા કે ગુજરાત રાજ્ય પૂરતા જ નહીં પરંતુ દેશ દુનિયામાં પ્રખ્યાત છે. આમ તો શારદીય નવરાત્રિ ના ગરબા મુંબઇ જેવા મહાનગરો, અમદાવાદ,સુરત, રાજકોટ જેવા મેગા સિટી સહિત અનેક જગ્યાએ થતાં હોય છે પરંતુ પારંપરિક ગરબાઓને નવા સ્વરૂપે આજે પણ વડોદરા શહેરે જાળવી રાખ્યા છે જેના કારણે જ દરવર્ષે વડોદરા શહેરના ગરબાને માણવા, રમવા માટે એન આર આઇ વડોદરા આવતાં હોય છે તદ્પરાંત અન્ય રાજ્યોમાંથી પણ ગરબાના શોખીનો આવે છે ત્યારે શહેરના એક એવા ગરબા કે જેણે વડોદરાવાસીઓ ને ઘેલું લગાડ્યું છે એવા શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ સતત દસમા વર્ષ શહેરના સમા સાવલી રોડ ઉપર આવેલા એસ.બી.ફાર્મ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
છેલ્લા નવ વર્ષથી અમીતનગર ખાતે શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવતી હતી પરંતુ આ વર્ષે શહેરના સમા સાવલી રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અહીં આયોજક કમલેશ પરમારે જણાવ્યું હતું કે, કુલ મેદાનની ક્ષમતા બે લાખ ફૂટ છે જેમાં એક લાખ ફૂટ માં દ્વિચક્રી, ફોર વ્હીલર પાર્કિંગ માટે ફાળવવામાં આવ્યું છે જ્યારે બીજા એક લાખ ફૂટમાં ગરબા ગ્રાઉન્ડ, ફૂડ કોર્ટ, આમંત્રિત અને ગરબા જોનારા લોકો માટે બેઠક વ્યવસ્થા, મંદિર માટે ફાળવવામાં આવી છે. અહીં ગરબા મેદાનમાં 12 થી 15 હજાર ખેલૈયાઓ એક સાથે રમી શકે તે રીતે મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. તથા સાત થી આઠ હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.અહી સુરક્ષા વ્યવસ્થા માટે સિક્યુરિટી, તથા કુલ 24 જેટલા સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે તદ્પરાંત ફાયર સેફ્ટી, મેડિકલ ની ટીમ,108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ તહેનાત રહેશે. અહીં જમીન ઝીણી રેતાળ સાથેની હોવાથી વરસાદ પડે તો પણ બે કલાક બાદ ખેલૈયાઓ ગરબા રમી શકે તેવી કુદરતી જમીન છે કારણ કે પાણી ઝડપથી શોષાઇ જાય છે અને કાદવ કીચડ પણ થતો નથી.અહી કમળ ની થીમ સાથે ગરબા ડેકોરેશન કરવામાં આવ્યું છે સાથે જ બહારથી વડોદરામાં પ્રવેશતા લોકો સંસ્કારી નગરી વડોદરાના નવરાત્રી વિષે જાણે તે માટે દુમાડ ચોકડી પાસે રજવાડી ગેટ (પ્રવેશદ્વાર) તૈયાર કરવામાં આવશે જેમાં નવદુર્ગા ને દર્શાવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં પ્રથમવાર મોટા ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી લોકોનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અહીં તરંગ ગૃપ દ્વારા ગરબા ગાયક સમીર પ્રજાપતિ, વૈશાલી પ્રજાપતિ, ધ્વનિત જોશી જેવા પારંપરિક અને નવા ગરબાઓ સાથેના વૃંદ ગરબા ખેલૈયાઓને નવા લય તાલ પર ગરબા રમાડશે. અહીં સાડા આઠ વાગ્યાથી ગરબા શરુ થશે અને 12 વાગ્યા સુધી ચાલશે પરંતુ સરકારની ગાઇડલાઇન્સ મુજબ જો સમયની છૂટછાટ આપવામાં આવશે તો રાત્રે 12 વાગ્યા પછી મંડળી ગરબા જે પારંપરિક ઢોલ નગારા સાથે કરવામાં આવશે.અહી પ્રથમ નોરતે છત્રી લઈને ગરબા ખેલૈયાઓ ઓર્ગન ડોનેટ જાગૃતિના સંદેશ સાથે ગરબા રમશે તે જ રીતે નવરાત્રિ દરમિયાન સ્વચ્છતા, પર્યાવરણ જાગૃતિ ને પણ લોકો સુધી સંદેશ આપવામાં આવશે.ગરબા ખેલૈયાઓ માટે ઓનલાઈન તથા ઓફલાઇન રજીસ્ટ્રેશન શરુ થઇ ગયા છે અને મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન થયા છે. આજે સમગ્ર મામલે શનિવારે પત્રકાર પરિષદ યોજી આયોજક કમલેશ પરમાર તથા બ્રાન્ડ એમ્બેસેડર સહિત ન આગેવાનો દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Most Popular

To Top