Vadodara

શ્રી ઠાકોરજીની સેવા આપણા ઘરે પધારતા આપણું ઘર એ ઘર નહીં પણ વ્રજ બની જાય છે: પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદય

નંદાલય જેવી ભાવના આપણા હૃદયમાં બિરાજમાન થઈ જાય છે

પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ વિશ્વ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ અને શ્રીમદ્ ભાગવત કથાના છઠ્ઠા દિવસે લાખોની સંખ્યામાં વૈષ્ણવોને સંબોધ્યા

વડોદરા: પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ વિશ્વ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ અને શ્રીમદ્ ભાગવત કથાના છઠ્ઠા દિવસે લાખોની સંખ્યામાં પધારેલ વડોદરાવાસી તથા બહારગામ થી પધારેલ તેમજ આસ્થા ચેનલ દ્વારા પ્રસારણથી કથા શ્રવણ કરતા દરેક વૈષ્ણવોને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવ્યા હતા. પૂજ્યશ્રીએ ગોવર્ધન લીલા અને રાસોત્સવની સુંદર અનુભૂતિ કરાવી હતી.

આપશ્રીએ જણાવ્યું હતું કે જીવનમાં ક્યારેય જો વિપત્તિ કે દુઃખ આવી પડે તો શ્રી ઠાકોરજી પાસે એમ માંગવું કે વિપતિ કે કષ્ટ આપનાર આપજ છો અને આપજ આવેલ દુઃખને આનંદ અને સુખમાં પરિવર્તન કરાવશો તથા માંગવું પડેતો શ્રીગિરિરાજજી કે શ્રીયમુનાજી પાસે માંગવું કે તેમની માનતા રાખવી અને તેમનો આશ્રય લેવો જ સર્વશ્રેષ્ઠ છે.

5000 વર્ષ પૂર્વે શ્રીગીરીરાજજી પ્રભુ વ્રજમાં પધારતા ત્યારે ગોવર્ધન શીલામાં આપશ્રીના ચરણારવિંદ છપાય જતા હતા. ભગવાનના સાક્ષાત આ ચરણારવિંદ વડોદરા ખાતે આવેલ શ્રીવ્રજધામ આધ્યાત્મિક સંકુલ માં બિરાજે છે અને આ સાથે સાક્ષાત મુખારવિંદનું સ્વરૂપ પણ સાથે બિરાજે છે અને આ અલૌકિક સ્વરૂપના શ્રી વ્રજધામ હવેલીમાં વૈષ્ણવો દર્શન કરી અને પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે.

શ્રીગોવર્ધન લીલાની અલૌકીક ઝાંખી કરાવતા પૂજ્યશ્રીએ જણાવ્યું કે ગોવર્ધન લીલામાં સૌપ્રથમ વ્રજવાસીઓએ ગોવર્ધનજીની પૂજા અને ભક્તિ કરી, ભોગ ધરાવ્યો પછી જ વિપતિ આવી પરંતુ વ્રજવાસીઓએ ભગવાનનો આશરો ન છોડ્યો એટલે જ સાક્ષાત ભગવાનને દરેક વ્રજવાસીઓ, પશુ અને પંખી દરેકનું રક્ષણ કરવા સ્વયં પધારવું પડ્યું. આ પ્રસંગે પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીએ સંદેશો આપ્યો કે આપણે આપણા ઈષ્ટદેવ અને હરિગુરુ ઉપર ક્યારેય અવિશ્વાસ ન કરવો અને સદાય તેમના પર ભરોસો રાખવો.
શ્રીકૃષ્ણ અને શ્રીરામ બંને એક જ છે તેનું વર્ણન કરતા પૂજ્ય શ્રી એ સંત તુલસીદાસના પ્રસંગને યાદ કરતા જણાવ્યુ કે પૂર્ણ રૂપે પ્રેમ એક જ પ્રભુમાં થાય છે અને ત્યારે તેમને શ્રીકૃષ્ણમાં જ શ્રીરામના દર્શન થયા.

પ્રસાદ અને મહાપ્રસાદના ભાવ વિશે આપશ્રીએ જણાવ્યું કે ભગવાન દ્રષ્ટી કરે તે પ્રસાદ કહેવાય છે પરંતુ ભગવાન પોતાની આંગણીઓ દ્વારા સ્વમુખે પોતાના મુખમાં પ્રસાદ પધરાવે તે અમૂલ્ય મહાપ્રસાદ છે એટલા માટે સૌપ્રથમ હવેલીના માધ્યમથી મહાપ્રસાદ આવે તેના સૌપ્રથમ દર્શન કરો ત્યારબાદ શ્રીઠાકોરજીએ ધરેલ ભોગ કેવી રીતે પોતાના શ્રીહસ્તે અંગીકાર કરીને તથા આરોગીને મહાપ્રસાદ બનાવ્યો એવા ભાવ સાથે નમન કરી ત્યારબાદ જ મહાપ્રસાદ લેવો.

સેવા પ્રણાલીની રીત વિશે બતાવતા જણાવ્યું હતું કે સેવાની રીતના નિયમોનું પાલન કરવું જોઈએ કારણ કે દરેક રીતમાં સૂક્ષ્મતા સમાયેલી છે આપણે આપણા ઘરમાં ડાઇનિંગ રૂમ કે જ્યાં ભોજન કરીએ છીએ ત્યાં પ્રભુની છાકલીલાના સુંદર ચિત્રજી પધરાવવા જોઈએ એને ભોજન પહેલાં છકલીલાના ચિત્રજીને નમન કરીને જ ભોજન લેવું જોઈએ.

આજના આ યુગમાં બાળકોને મિકી માઉસ કે અન્ય ટેડી ન આપતા શ્રી કૃષ્ણનું ટેડી આપીએ તો શ્રીકૃષ્ણમાં કનેક્શન થશે અને આ બાળક તેની દરેક દિનચર્યા કે અભ્યાસ કે રમત વખતે આ કૃષ્ણ ટેડીને સાથે રાખશે એટલે કે શ્રીકૃષ્ણના ચરિત્રની દરેક કથાઓથી તે માહિતગાર થશે અને મોટા થઈને હિન્દુ તીર્થ નું મહત્વ સમજશે અને ભગવાન પ્રત્યે તેમની આસ્થા કાયમ બની રહેશે.

શ્રી ઠાકોરજીએ આપણા ઉપર કૃપા કરવા સેવા આપી છે શ્રી ઠાકોરજી ઘરે પધારતા આપણું ઘર એ વ્રજ બનશે. વૈષ્ણવોને આંતરરાષ્ટ્રીય સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન માં જોડાવા માટે આહવાન કર્યું હતું અને કહ્યું હતું કે VYO દ્વારા અનેક પ્રકલ્પો ,પ્રસાર, પ્રચાર અને સેવા ના મહોત્સવ માટે એકલા વ્રજરાજકુમારજીનું કામ નથી આપ સૌ વૈષ્ણવોનો સાથ જોઈશે. દરેક વૈષ્ણવોએ પુષ્ટિ સંપ્રદાય માટે કાર્ય કરવું પડશે અને મારા ધર્મ માટે હું મારૂ વધુમાં વધુ યોગદાન તન,મન અને ધનથી આપીશ એનું ગૌરવ થવું જોઈએ.
શ્રી ગિરિરાજજીની પરિક્રમા ની શરૂઆત કરતા પહેલા આપ શ્રી એ જણાવ્યું કે સૌપ્રથમ મુખારવિંદ થી ચરણારવિંદ સુધી જલાભિષેક (સ્નાન) કરાવાય છે ત્યારબાદ ગાયના દૂધનો દુધાભિષેક કરીને, પુનઃજલાભિષેક કરી શ્રી પ્રભુને અંગવસ્ત્ર ધરાવાય છે ત્યારબાદ અત્તર લગાડીને અત્તરવાળા આપણા હાથ આપણી ઉપર આ પ્રસાદી અત્તર લગાવવાથી આપણા શરીરમાં ઉર્જા આવે છે ત્યારબાદ ધોતી ઉપરણા ધરાવીને મુખારવિંદમાં તિલક અને ચરણારવિંદમાં સ્વસ્તિક કરાય છે પ્રભુને શૃંગાર કરી વિવિધ સામગ્રી ધરીને ત્યારબાદ તેમના પૂજા દર્શન કરાય છે ત્યારબાદ શ્રી ગિરિરાજજીની પવિત્ર પરિક્રમા કરવાનો મહિમા વર્ષોથી ચાલતો આવ્યો છે શ્રી ગિરિરાજજીમાં દરેક દેવી દેવતા બિરાજે છે એટલે આ પરિક્રમાનો વિશેષ મહિમા છે.

પ્રેરણા મહોત્સવના પ્રસંગે વિશેષમાં જણાવ્યું હતું કે વડોદરામાં ભારતના દરેક તીર્થનું જલ અહીં પધરાવવામાં આવ્યું છે એટલે સાક્ષાત શ્રી યમુનાજી શ્રી ગંગાજી અને શ્રી સરસ્વતીજી વડોદરા ની પાવન ભૂમિ પર પધાર્યા છે અને અહીં જ પ્રયાગરાજ ના ત્રિવેણી સંગમના દર્શન કરવાનું સર્વને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. વિશ્વ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં ભારતના દરેક તીર્થ અને ચારધામના દર્શન કરી સર્વે ભક્તો ધન્યતા અનુભવે છે.
આ મહોત્સવ બાદ સુરતના આંગણે VYO ના માધ્યમથી 750 અનાથ દીકરીઓના વિવાહ કરવામાં આવશે અને આ પ્રેરણા રૂપ આયોજનને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવશે.

હરિપ્રબોધમ ફાઉન્ડેશન થી ગુરૂહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજ, કમલેશભાઈ પટેલ – રાજ્ય કક્ષા મંત્રી ગુજરાત સરકાર અને અંજલીબેન વિજયભાઈ રૂપાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top