પોલીસે દ્વારા લોકોને અફવાઓથી દૂર રહી શાંતિપૂર્ણ રીતે ગણેશોત્સવ ઉજવવા અપીલ કરાઈ

(પ્રતિનિધિ) વડોદરા તા.26
શહેરના પાણીગેટ વિસ્તારમાં વહેલી સવારે વોર્ડ નં.17 ના નિર્મલ પાર્ક યુવક મંડળના શ્રીજીની આગમનયાત્રા પર ઇંડા ફેંકવાના ગુનામાં સંડોવાયેલા આઠ જેટલા શકમંદોની સિટી પોલીસ દ્વારા શોધીને અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.પોલીસ કમિશનર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિપૂર્ણ રીતે ગણેશોત્સવ ઉજવવા અપીલ કરી છે.
સોમવારે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ વોર્ડ નં.17 ના નિર્મલ પાર્ક યુવક મંડળના શ્રીજીની આગમનયાત્રા કિશનવાડી થી નિકળી હતી અને જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન થી ઇ સિટી પોલીસ સ્ટેશન તરફ આવતી હતી તે દરમિયાન કેટલાક અસામાજીક તત્વો દ્વારા ઇંડા ફેંકવાની ઘટના બની હતી જેના પગલે ગણેશ મંડળો અને ગણેશભક્તોમા આક્રોશની લાગણી પ્રસરી ગઇ હતી.બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ એસીપી, ડીસીપી, એડિશનલ સી.પી. સહિતનો કાફલો ધસી આવ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થા સાથે શ્રીજીની આગમનયાત્રા પસાર કરાવી વાતાવરણ ન બગડે તે પ્રમાણે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસે તપાસ હાથ ધરી હતી સાથે જ સમગ્ર મામલે સિટી પોલીસ સ્ટેશનમાં એફ આઇ આર નોધી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ભાજપના મ્યુનિસિપલ કાઉન્સલિરો દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે ગૃહમંત્રી ને રજૂઆત કરવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર મામલે આઠ જેટલા શકમંદોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે સંપૂર્ણ બાબત સ્પષ્ટ થયા બાદ ગુનામાં સંડોવાયેલા લોકો સામે સખતમાં સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી સાથે જ લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિપૂર્ણ રીતે ગણેશોત્સવ ઉજવવા અપીલ કરી છે. આવતીકાલે ગણેશચતુર્થી સાથે ગણેશોત્સવ નિમિત્તે શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તથા આવું કૃત્ય કરનારને કોઇપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.