Vadodara

શ્રીઅન્ન અને ખીચડીની આહાર શૈલી માટે જનજાગૃતિ ફેલાવતા વડોદરાના જેઠવા પરિવાર સાથે મુખ્યમંત્રીની મુલાકાત


*ખીચડી કિંગ તરીકે ઓળખાતા જગદીશભાઇ જેઠવા સાથે મુલાકાત કરી તેમના કાર્યની સરાહના કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની વડોદરા શહેરની મુલાકાત દરમિયાન શ્રીઅન્ન અને તેનામાંથી બનતી પોષક તત્વોથી ભરપૂર ખીચડીનો પ્રચારપ્રસાર કરતા એક પરિવાર સાથે સંવાદ સાધ્યો હતો.



વડોદરા શહેરમાં રહેતા જગદીશભાઇ જેઠવા શ્રીઅન્નમાંથી મળતા પોષક તત્વો અને ખાસ કરીને દૈનિક આહાર શૈલીમાં ખીચડીનું ચલણ વધારવા માટે દેશવિદેશમાં જાગૃતિ અભિયાન ચલાવે છે.

મહારાજ સયાજી રાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં તેમણે કરાવેલા વિશ્લેષણ દરમિયાન શ્રીઅન્નથી બનતી ખીચડીમાં ૧૬ જેટલા પોષક તત્વો મળતા હોવાનું ફલિત થયું હતું. જગદીશભાઇ જેઠવાને ખીચડી કિંગ તરીકે ઓળખવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શ્રીઅન્નના આહારમાં ઉપયોગ થકી શારીરિક આરોગ્ય વધારવા માટે છેડેલી મુહિમને જેઠવા આગળ વધારી રહ્યા છે, આ બાબતને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઠવા પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમના ઉત્સાહમાં વૃદ્ધિ કરી હતી.


જગદીશભાઇ જેઠવાએ બાળકો, યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો માટે કેવી ખીચડી અને કઢી બનાવી શકાય, તેના રેડી ટુ યુઝ મિક્સ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યા હતા. આ મુલાકાતમાં મિલનબેન જેઠવા ઉપરાંત તેમના સંતાનો ડેનિશ અને દેવાંશી પણ જોડાયા હતા.

મુખ્યમંત્રીએ જેઠવા પરિવાર સાથે સ્નેહસભર મુલાકાત કરી હતી અને તેમની સાદગી, સરળતા નિહાળીને જેઠવા પરિવાર આનંદવિભોર થઇ ગયો હતો.

૦૦૦

Most Popular

To Top