શ્રાવણ માસની શરૂઆત સાથે હિન્દુ ધાર્મિક તહેવારોનો પ્રારંભ
બાળકોના દીર્ઘાયુ માટેના જીવંતિકા વ્રતનો પણ પ્રારંભ
વડોદરા: આજે વિક્રમ સવંત 2081ને શ્રાવણ સુદ એકમને શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. હિંદુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ પવિત્ર માસ તરીકે માનવામાં આવે છે આ શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની વિવિધ રીતે પૂજા કરવામાં આવે છે. પાર્થેશ્વર પૂજા, રૂદ્રાભિષેક, મહારૂદ્ર યજ્ઞ કરવામાં આવે છે. ભગવાન ભોળેનાથને શુધ્ધ જળથી જળાભિષેક,દૂધથી અભિષેક, શેરડીના રસથી અભિષેક,પંચામૃતથી અભિષેક, લીલાં નાળિયેરના પાણીથી અભિષેક, દર્ભયુક્ત પાણીથી અભિષેક થી પૂજા કરવામાં આવે છે સાથે જ ભસ્મ તિલક કરી અને રૂદ્રાક્ષની માળા થી ‘ૐ નમઃ શિવાય’ મંત્ર સાથે શિવલિંગ પર બિલ્વપત્ર ચઢાવી પૂજન કરવામાં આવે છે.

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે જ હિન્દુ ધર્મના વિવિધ તહેવારોની પણ શરુઆત થઈ જાય છે. જેમાં રાંધણ છઠ્ઠ,શીતળા સાતમ, બળેવ, રક્ષાબંધન,જન્માષ્ટમી, ગણપતિ, નવરાત્રી, દશેરા દિવાળી સુધી અનેક નાના મોટા તહેવારો શરુ થઇ જાય છે.

પવિત્ર શ્રાવણ માસમાં લોકો એકટાણું ઉપવાસ રાખતા હોય છે. આની પાછળ ધાર્મિક માન્યતા છે સાથે જ આ મહિનામાં પિત્તપ્રકોપ રહે છે અને જઠરાગ્નિ મંદ હોય છે જેથી એકટાણું કરવાથી પાચનક્રિયા સરળ રહે છે અને શરીર પણ સ્વસ્થ રહે છે.

ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાનો આ શ્રેષ્ઠ અને પવિત્ર માસ ગણવામાં આવે છે. આ શ્રાવણ માસમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન કરવામાં આવે છે ખાસ કરીને પવિત્ર નદીઓના જળની માટી કે પછી રેતીમાંથી શિવલિંગ નું નિર્માણ કરવામાં આવે છે અને ચોખા તથા વિવિધ પૂજન સામગ્રી મંત્રોચ્ચાર સાથે પાર્થેશ્વર શિવલિંગનું પૂજન કરવામાં આવે છે. ભગવાન ભોળાનાથ મનના શુધ્ધ ભાવ અને માત્ર જળાભિષેકથી રીઝી જતા દેવતા છે ત્યારે આજથી શહેરના શિવાલયોમાં ભક્તોએ વહેલી સવારથી ભગવાન શંકરનું પૂજન અભિષેક કર્યું હતું.શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી ભક્તોએ પૂજા અભિષેક કર્યા હતા.