વડોદરા શહેરના કોર્પોરેટર અને સ્થાયી સમિતિના સભ્ય નીતિન દોંગાએ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુને લેખિત રજૂઆત કરી હતી કે શ્રાવણ માસ દરમિયાન શહેરના બગીચાઓમાં ભક્તિભર્યા ભજનો વગાડવામાં આવે. તેમની માંગ પર પાલિકાએ પગલું ભર્યું છે અને હવે શહેરના મુખ્યત્વે તમામ મ્યુઝિકલ બગીચાઓમાં દરરોજ સવારે અને સાંજે ભગવાન શંકરના ભજનો વગાડવાની વ્યવસ્થા શરૂ થઈ છે. શહેરમાં અંદાજે 135 જેટલા બગીચાઓ છે, જેમાંથી આશરે 13 બગીચાઓમાં મ્યુઝિકલ સિસ્ટમ ઉપલબ્ધ છે. તેમાં સયાજીબાગ, સયાજીપુરા બાગ, લાલબાગ, દિપિકા બાગ, ગોત્રી બાગ જેવા બગીચાઓનો સમાવેશ થાય છે. નીતિન દોંગાએ કમિશનરને જણાવ્યું હતું કે દરરોજ સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 દરમિયાન ભગવાન શંકરના ભક્તિમય ગીતો વગાડવા માટે આયોજન કરવામાં આવે. ખાસ કરીને ભોલેનાથના ભક્તિગીતો વગાડવા તેમણે જણાવ્યું હતું. પાલિકા દ્વારા હવે આ તમામ મ્યુઝિકલ બગીચાઓમાં નક્કી કરાયેલ સમયગાળામાં ભજનો વગાડવાની શરૂઆત કરવામાં આવી છે.