શિનોર તાલુકાના મોટા ફોફળિયા ખાતે છોટુભાઈ એ પટેલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સફળ સર્જરી

શિનોર: શિનોર તાલુકાના મોટા ફોફળિયા ખાતે શ્રી છોટુભાઈ એ પટેલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં આદિવાસી શ્રમજીવી યુવાન મહિલાના સ્તનમાંથી 7.500 kg ની માંસપેશીઓની બનેલી ફાઇબ્રોએડીમા નામની ગાંઠ કાઢી સફળ ઓપરેશન કરી મહિલાને થતી તકલીફ દૂર કરવામાં આવી છે. આ મહિલાને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વહારે આવી અને આશિર્વાદ સમાન બનતા ઓપરેશન તદ્ ન વિનામૂલ્યે કરવામાં આવેલ છે .
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામની આદિવાસી શ્રમજીવી 29 વર્ષીય યુવાન મહિલાને છેલ્લા એકાદ વર્ષથી સ્તનમાં સખત દુખાવો થતો હતો. જુદા જુદા દવાખાનાઓમાં સારવાર માટે જતાં ચોક્કસ નિદાન ન થતાં ઓપરેશન પણ કરાવવું પડે અને તેનો મોટો ખર્ચ થશેનું જણાવતાં નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના ત્રીભેટે આવેલ શિનોર તાલુકાના મોટા ફોફળિયા ખાતે આવેલ શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોક ભાગીદારીથી સંચાલિત શ્રી છોટુભાઈ એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય અને તબીબી સેવાઓ અંગે માહિતી મળતા અહીં સારવાર માટે આવ્યા. સામુહિક આરોગ્ય કેન્દ્રના તજજ્ઞ ડૉ. ગૌરવ બાગમાર પાસે તપાસ કરાવતાં છેલ્લા એક વર્ષથી સ્તનમાં દુખાવાની તકલીફ જણાવી અને નિદાન માટે જરૂરી સોનોગ્રાફી વગેરે કરાવી અને માંસપેશીઓની બનેલી ફાઈબ્રોએડીનોમાની ગાંઠનુ નિદાન થતાં અને મહિલાના સ્તનનુ ઓપરેશન કરવા માટે અને મહિલા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનુ આયુષ્માન કાર્ડ ધરાવતા હોય વિનામૂલ્યે ઓપરેશન કરવા માટે તેણીનીના પરિવારજનોને સમજાવવામાં આવ્યા હતા. પરિવારજનો અને તકલીફ ધરાવતી મહિલા દર્દી તૈયાર થતા અઢી કલાકની લાંબી ચાલેલી શસ્ત્રક્રિયા દરમ્યાન સ્તનમાં માંસ પેશી સાથે ચોટેલી ફાઈબ્રોએડીનોમાની 7.500 કી.ગ્રા વજન ધરાવતી ગાંઠનું જટિલ ઓપરેશન સફળ રીતે કરવામાં આવ્યું હતું. આ ગાંઠ કયા પ્રકારની છે તેની તપાસ માટે હિસ્ટો પેથોલોજી તપાસ કરવા લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે.આ મહિલાનો પરિવાર આર્થિક નબળી સ્થિતિ ધરાવતો હોય આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વહારે આવી અને આશિર્વાદ સમાન બનતા ઓપરેશન તદ્દન વિનામૂલ્યે કરવામાં આવ્યું. મોટા ફોફળિયાનુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર વડોદરા નર્મદા ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનો માટે આશીર્વાદરૂપ બનેલ છે. દર્દીઓને વધુ સુવિધા ઓ મળી રહે તે માટે હાલમાં શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલનું વિસ્તૃતિકરણ પણ કરવામાં આવી રહી છે….