Vadodara

શ્રધ્ધાળુઓની આસ્થા સાથે પાલિકા તંત્ર ક્યારે રમત બંધ કરશે?શ્રીજી વિસર્જન માટે પૂર્વ વિસ્તારમાં કૃત્રિમ તળાવોની કામગીરી જ શરૂ ન કરી…

શહેરના સરદાર એસ્ટેટ તથા ખોડિયારનગર પાસે શ્રીજી વિસર્જન માટે કૃત્રિમ તળાવો તૈયાર ન કરયા…

શહેરમાં દશામાંની મૂર્તિઓના વિસર્જનમા થયેલી ભૂલમાંથી પણ પાલિકાએ બોધપાઠ ન લીધો

આજરોજ ગણેશ ચતુર્થીના રોજ વિધ્નહર્તા શ્રીજીમહારાજ શહેરમાં આતિથ્ય માણવા બિરાજમાન થઇ ગયા છે. સંસ્કારી નગરી વડોદરા શહેરમાં લોકો પોતાની યથાશક્તિ અને શ્રધ્ધા મુજબ દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ, સાત કે પછી દસ દિવસ માટે સ્થાપના કરતાં હોય છે અને માનતા તથા આસ્થા મુજબ શ્રીજીની પ્રતિમાઓનુ જળાશયોમાં વિસર્જન કરે છે .શહેરમાં શ્રીજીના વિસર્જન માટે પાલિકા તંત્ર દ્વારા ઝોન, વિસ્તાર મુજબ કૃત્રિમ તળાવો તૈયાર કરવા માટે કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપી દીધી હતી. પરંતુ શહેરના પૂર્વ વિસ્તાર એવા સરદાર એસ્ટેટ સ્થિત લેપ્રસી મેદાનમાં તથા ખોડિયારનગર ડી માર્ટની બાજુમાં કૃત્રિમ તળાવ તૈયાર કરવા સૂચના અને કામગીરી સોંપ્યા છતાં હજી સુધી કોન્ટ્રાક્ટર દ્વારા અહીં કૃત્રિમ તળાવની કામગીરી ન શરૂ કરાતા વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તથા સભ્યો દ્વારા જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો અગાઉ શહેરમાં દશામાંની સ્થાપના બાદ જે રીતે દશામાંના પ્રતિમાઓના વિસર્જનમાં અંધાધૂંધી જોવા મળી હતી અને લોકોની આસ્થાને ઠેસ પહોંચી હતી ત્યારે પાલિકાની કામગીરી સંદર્ભે પાલિકાના જવાબદાર અધિકારીઓ પર,મેયર, ચેરમેન, મ્યુનિ. કમિશનર પર લોકોએ માછલાં ધોયા હતા ત્યારે પાલિકાના જવાબદાર સ્થાઇ સમિતિના ચેરમેન,મેયર અને મ્યુનિ. કમિશનરે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, તેઓને કેટલી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી તેનો અંદાજો ન હતો. આજે સ્થિતિ એવી છે કે ગુજરાતમાં સૌથી મોટો ગણેશોત્સવ વડોદરામાં ઉજવવામાં આવે છે મોટા પંડાળો હોય કે ગલી મહોલ્લા, મકાનો, ઓફિસમાં પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને આજથી ઘણાં શ્રધ્ધાળૉઓ કે જેઓએ દોઢ દિવસ, ત્રણ, પાંચ, સાત અને દસ દિવસ માટે શ્રીજીની સ્થાપના કરી છે તે પ્રતિમાઓનુ વિસર્જન ધીમે ધીમે શરૂ થઇ જશે તેવામાં પાલિકા તંત્ર દ્વારા શહેરના પૂર્વ વિસ્તારોમાં કૃત્રિમ તળાવો તૈયાર કરવા કોન્ટ્રાક્ટર ને કામગીરી સોંપી છે તેણે હજી જાણે ઉંઘ ઉડી ન હોય તે રીતે કામગીરી શરૂ કરી નથી તેવામાં ફરી એકવાર લોકોની આસ્થા સાથે રમત રમાશે?પૂર્વ વિસ્તારના લોકોને વિસર્જન માટે અંધાધૂંધી સર્જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. શું પાલિકાના અધિકારીઓએ દશામાંની પ્રતિમાઓના વિસર્જન સમયની સ્થિતિ પરથી કોઇ બોધપાઠ લીધો નથી? તંત્ર શું ફક્ત કોન્ટ્રાક્ટર ને જવાબદારી સોંપી છૂટી જવા માંગે છે શા કારણે કોન્ટ્રાક્ટરો ની કામગીરી ઉપર નિરિક્ષણ કરાતું નથી? પાલિકા તંત્ર અને અધિકારીઓ જાણે લોકોના આક્રોશથી ટેવાઇ ગયા હોય તેમ જાડી ચામડીના બન્યા હોય તેવું જણાય છે આ લોકો એવું સમઝતા થયા છે કે થોડા દિવસ જનતા આક્રોશ વ્યક્ત કરશે, મિડિયામાં થોડા દિવસ બધું ચાલશે પછી બધા ભૂલી જશે આ રીતેની એક મનમાં ગ્રંથી પાલિકાના અધિકારીઓ બાંધી બેઠા હોય તેવું જણાય છે. ત્યારે આજથી શરૂ થનાર શ્રીજીની પ્રતિમાઓના વિસર્જનમા પૂર્વ વિસ્તારમાં શ્રધ્ધાળુઓને હાલાકી પડે તેવી શક્યતાઓ છે.

Most Popular

To Top