Vadodara

શોક ઠરાવ બાદ સામાન્ય સભા મુલતવી, કોંગ્રેસે લગાવ્યા ગંભીર આક્ષેપ

આગામી સામાન્ય સભા 15 મેના રોજ મળશે .

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા માટે મળવાની હતી, પરંતુ તે વિવાદિત બની રહી. પીઢ અભિનેતા મનોજ કુમારના અવસાન અને ડીસા ખાતેની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપી શોક ઠરાવ પાસ કરાયા બાદ સભા મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો. મેયરે આ નિર્ણયની જાહેરાત કરતાની સાથે જ કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને સભામાં જ ફ્લોર પર બેસી વિરોધ કર્યો. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે મહાનગરપાલિકા છેલ્લા ઘણા સમયથી લોકોના જીવંત પ્રશ્નો, ખાસ કરીને પાણીની તંગી, વિશે કોઈ જ સંવેદનશીલતા દાખવી રહી નથી. પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું કે શાસકપક્ષ માત્ર શોક ઠરાવના નામે સભા મુલતવી રાખી રહ્યો છે અને લોકોને જરૂરી સેવા આપવા માટે સભામાં ચર્ચા કરવાની માંગ ટાળે છે.

કોંગ્રેસ કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ પણ આક્ષેપ કર્યો કે જ્યારે શહેરના નાગરિકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે શાસક પક્ષને તેમના દુખમાં કોઈ રસ નથી. “જો ખરેખર શોક હતો તો બધા કાર્યક્રમો મુલતવી કરવામાં આવ્યાં હોત, માત્ર સભા કેમ?” એમ તેમણે પૂછ્યું. અંતે નક્કી કરવામાં આવ્યું કે આગામી સામાન્ય સભા હવે 15 મેના રોજ મળશે.

વર્તમાન મેયર ઈતિહાસમાં ‘કઠપૂતળી મેયર’ તરીકે ઓળખાશે : ચંદ્રકાંત શ્રીવાસ્તવ

પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વડોદરા મહાનગરપાલિકાની શાસકપક્ષ પર તીવ્ર આક્ષેપ કર્યા છે કે શહેરમાં પાણીની ભારે સમસ્યા વચ્ચે પણ સત્તાધારી પક્ષ ચર્ચા ટાળી રહ્યો છે. કોંગ્રેસ હવે લોકોની સમક્ષ જઈ સભા કરશે અને શાસકપક્ષના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી દેશે. તેમણે વર્તમાન મેયર પર “કઠપૂતળી મેયર” તરીકે ઈતિહાસ સર્જવાનો આક્ષેપ કરતાં તીખી ટિપ્પણી કરી.

Most Popular

To Top