Vadodara

શું મ્યુનિસિપલ કમિશનર જાગશે ? નવાપુરા અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટરમાં ગેરવહીવટનો ગંજ

ફોગિંગની દવા ખૂટી ને ડોક્ટરોની હાજરી ટૂંકી, નવાપુરામાં આરોગ્ય સેવાઓ વેન્ટિલેટર પર

(પ્રતિનિધિ), વડોદરા. તા.28

એક તરફ કોર્પોરેશન સ્માર્ટ સિટીના દાવાઓ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલું અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટર તંત્રની ઘોર બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ બની રહ્યું છે. અહીં આવતા દર્દીઓ અને પાયાની સુવિધાઓ આપતા કર્મચારીઓની હાલત “દીવા તળે અંધારું” જેવી થઈ ગઈ છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે ત્યારે નવાપુરા અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટરમાં ફોગિંગ માટેની દવાની ભારે અછત જોવા મળી રહી છે. ફોગિંગ કામગીરી ખોરંભે પડતા સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો છે. જો મ્યુનિસિપલ કોર્પોરેશન દવા જ પૂરી પાડી શકતું ન હોય, તો રોગચાળાને નાથવાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. કેન્દ્ર પર સમયસર ડોક્ટરો હાજર રહેતા નથી તેવી ફરિયાદો ઉઠી છે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ વહેલી સવારથી લાઈનમાં ઉભા રહે છે, પરંતુ ડોક્ટરોના ઠેકાણા ન હોવાથી કલાકો સુધી રાહ જોવી પડે છે અથવા સારવાર લીધા વગર જ પરત ફરવું પડે છે. સ્વાસ્થ્ય જેવી ગંભીર સેવાઓમાં આવી લાલિયાવાડી કેટલે અંશે યોગ્ય છે ? સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અહીં કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર કામ કરતા નાના કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. મોંઘવારીના જમાનામાં મધ્યમ અને શ્રમિક વર્ગના આ કર્મચારીઓનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. સેવાના નામે લેવાતી આ કામગીરીમાં કર્મચારીઓના આર્થિક શોષણ સામે અનેક સવાલો ઉભા થયા છે. બીજી ચોંકાવનારી વાત તો એ છે કે ફોગિંગની કામગીરી કરતા કર્મચારીઓને હાલમાં તો વરસાદી ડ્રેનેજ લાઇન ના ઢાંકણ ઉચકીને તેની નીચે પ્લાસ્ટિક ના કોથળા લગાવવાની કામગીરી સોંપવામાં આવી છે. શું વડોદરા મહાનગરપાલિકા આ મામલે સફાળી જાગશે ? શું કોન્ટ્રાક્ટરોની મનમાની પર લગામ કસાશે ? કર્મચારીઓને તેમનો હકનો પગાર સમયસર મળશે કે પછી દર વખતની જેમ માત્ર ખાતરીઓ આપીને મામલો થાળે પાડી દેવાશે ? નવાપુરાની જનતા અને કર્મચારીઓ અત્યારે ન્યાયની રાહ જોઈ રહ્યા છે.

Most Popular

To Top