બ્રિજના પિલ્લરોની હાલત જોઈને તમે પણ કહેશો, ઓહ બાપ રે…
વડોદરા શહેરનું સૌથી જૂના બ્રિજ માંથી એક બ્રિજ એટલે પંડ્યા બ્રિજ જેને નાગરિકો શાસ્ત્રી બ્રિજ ના નામે પણ ઓળખે છે. બ્રિજ ના પિલ્લારોની પરિસ્થિતિ જોઈને નાગરિકો બ્રિજ પરથી અવરજવર બંધ કરી દે તેવી હાલતમાં હાલ પંડ્યા બ્રિજ ઉભો છે. બ્રિજ ની જાળવણી વડોદરા મહાનગરપાલિકા ની જવાબદારી છે અને બ્રિજની મધ્યમાં જ્યાં નીચેથી રેલવે પસાર થાય છે તેની જવાબદારી રેલવે તંત્રની છે.
આજરોજ સામાજિક કાર્યકર વિજય જાધવ દ્વારા આ બ્રિજના પિલ્લારોની દયનીય પરિસ્થિતિ મીડિયા સમક્ષ મૂકી હતી. ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર અને રેલવેનું તંત્ર પંડ્યા બ્રિજ ની આ પરિસ્થિતિ ની અવગણના કરતું હોય તેવું લાગી રહ્યું છે. હંમેશા તંત્રની આંખો ત્યારે જ ખુલતી હોય છે જ્યારે કોઈ મોટી દુર્ઘટના સામે આવતી હોય છે. તો શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે? બ્રિજ નીચેના પિલ્લરો જર્ચરિત પરિસ્થિતિમાં છે. તંત્ર દ્વારા તાત્કાલિક પંડ્યા બ્રિજ નો સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવો જોઈએ. જેથી બ્રિજની મજબૂતાઈ ની માહિતી મળે અને જરૂર પડે તો જરૂરિયાત મુજબ બ્રિજ ના સમારકામ માટે એક્શન લઈ શકાય.
જેમ જેમ કોઈ બ્રિજ ના નિર્માણ કાર્યને વર્ષો વીતી ગયા હોય ત્યારે તેવા બ્રિજોની જાળવણી અને તેનું સમારકામ ખૂબ જ જરૂરી બનતું હોય છે. અને જો તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું એક્શન લેવામાં ન આવે તો આ પરિસ્થિતિ મોટી દુર્ઘટનાને જન્મ આપે છે. અને ત્યારબાદ સરકાર દ્વારા તપાસ સમિતિ બનાવવામાં આવે છે પરંતુ કોઈ પણ પ્રકારની મોટી દુર્ઘટનાને ટાળવી હોય તો અગાઉથી જ તંત્રએ આયોજન કરવું જોઈએ.
સામાજિક કાર્યકર વિજય જાધવે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરનો પંડ્યા બ્રિજ વર્ષો જૂનો છે અને દિવસ-રાત્રી દરમિયાન હજારો ની સંખ્યામાં વાહનો બ્રિજ પરથી અવરજવર કરતા હોય છે. પરંતુ નાગરિકોને એ વાતની જાણ નથી કે બ્રિજ નીચેના પિલ્લરોની પરિસ્થિતિ શું છે. અને નાગરિકોને તંત્ર પર વિશ્વાસ હોય છે કે તંત્ર હંમેશા નાગરિકોની સુરક્ષા માટે કામ કરતું હોય છે પરંતુ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક લોકોના જીવ જોખમમાં મુકાય તેવા કાર્યો કરવામાં આવે છે અને પંડ્યા બ્રિજ ના સમારકામ કે જાળવણી માટેની જે જવાબદારી વડોદરા મહાનગરપાલિકા અને રેલવે તંત્રની છે. તેમણે મીડિયા થકી તંત્રને પંડ્યા બ્રિજના નીચેની પરિસ્થિતિ નું નિરીક્ષણ કરવા માટે વિનંતી કરી હતી અને સાથે જ પહેલી તકે જરૂરિયાત પ્રમાણે સમારકામ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.