વડોદરામાં ‘શિવજી કી સવારી’ રૂપે શિવ પરિવાર નગરયાત્રાએ નીકળશે – તડામાર તૈયારીઓ શરૂ

વડોદરા શહેરમાં તા. 26 ફેબ્રુઆરીના રોજ મહા શિવરાત્રી પર્વ નિમિતે શહેરમાં ‘શિવજી કી સવારી’ રૂપે શિવ પરિવાર વાજતે ગાજતે શહેરની નગરયાત્રાએ નીકળશે. આ વર્ષે શહેરના વિવિધ વિસ્તારોમાં ‘શિવોત્સવ’ સપ્તાહ મનાવવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના અને દેશના ટોચના કલાકારોના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રેણીબદ્ધ ગાયકોની ભજન સંધ્યા અને સંગીત સંધ્યાઓ યોજાશે.
યાત્રામાં લગભગ 8.5 ટન વજનની સુવર્ણ મઢીત વિરાટ નંદી સહિત શિવ પરિવારની માનવકદની આકર્ષક પ્રતિમાઓ શણગારાયેલા વિરાટ રથ પર સવાર થઇ શહેરના રાજમાર્ગો પર નીકળશે. વિવિધ વેશભૂષાઓ, ભજન મંડળીઓ સહિતના અનેક આકર્ષક ફ્લોટસની કતાર પણ તેની પાછળ જોડાશે.મહા શિવરાત્રીએ શહેરને શિવમય બનાવવા “બમ બમ ભોલે” ના ગગનભેદી સ્વરો ગુંજી ઉઠશે. ‘શિવજી કી સવારી’ પ્રતાપનગર સ્થિત રણમત્તેશ્વર મહાદેવથી નીકળશે.
શિવજી કી સવારી’ માં ઢોલ-નગારાની રમઝટ બોલાવતી ભજન મંડળીઓ, બેન્ડવાજા પૌરાણિક પાત્રોના વેશ પરિધાન સાથે હજારો ભક્તો જોડાશે. ગુજરાત સરકારના વિવિધ વિભાગના વિગતો દર્શાવતુ પ્રદર્શન (ટેબ્લો) તેમજ સવારીના માર્ગને પુષ્પો અને આસોપાલવના તોરણોથી શણગારાશે. ‘શિવજી કી સવારી’ ના વિરાટ સુશોભિત રથને દોરડા વડે ખેંચી પુણ્ય કમાવા માંગતા હજારો શ્રધ્ધાળુ ભક્ત અને દર્શનાર્થીઓ માટે ઠેર-ઠેર પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ શહેરમાં ભક્તિભાવપૂર્વક શિવરાત્રીએ શિવજી કી સવારી નિકળનાર છે. તેની શહેરમાં ચારે તરફ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ શિવરાત્રીએ મહત્વની બાબત એ રહેશે કે વડોદરાના મધ્યમાં આવેલ સુરસાગર તળાવમાં સ્થાપિત 111 ફૂટની સર્વેશ્વર મહાદેવની મહા આરતી પણ કરવામાં આવશે. ત્યારે લાખો ભક્તો દર્શન માટે આવશે જેને લઇ ને સુરસાગર તળાવમાં ની આસ પાસ ના દબાણો દૂર કરી દેવામાં આવ્યુ છે. સાથે સાથે સુરસાગર ને ફરતે રંગબેરંગી લાઇટિં અને શણગાર કરવામાં આવી રહ્યો છે. જે રૂટ ઉપરથી શિવજી કે સવારી નીકળવાની હોય તે રૂટ ઉપર ના વૃક્ષો જે નડતરરૂપ હોય તેને ટ્રીમીગ કરી નડતર દૂર કરવામાં આવ્યું છે.

સર્વેશ્વર મહાદેવજી ની પ્રતિમા ની મહા આરતીમાં
અનેક મહાનુભાવોની ઉપસ્થિતી રહેવાની હોવાથી પોલીસ તંત્ર પણ એક્શન માં આવી ગયું છે. પોલીસ અધિકારીઓએ સુરસાગર ખાતે ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે.