પોલીસ પ્રોટેક્શન સાથે મીટર બદલવાની કાર્યવાહી, વિરોધ બાદ હાલ પૂરતી કામગીરી સ્થગિત
હાલોલ, તા. 18-02-2026
હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી સામે ગ્રામજનોએ તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ પ્રદર્શન કરતાં અંતે હાલ પૂરતી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, વીજ કંપનીની ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે ગામમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરી રહી હતી. તે દરમિયાન વીજ મીટર ધારકોએ પોતાની પરવાનગી વિના મીટર કેમ બદલવામાં આવી રહ્યા છે, હાલના મીટરમાં શું ખામી છે અને સરકારનો કોઈ પરિપત્ર હોય તો દર્શાવવાની માંગ કરી હતી. ગ્રામજનોએ મીટર બદલવાની જબરજસ્તી સામે ઉગ્ર રજૂઆતો કરતા વાતાવરણ તંગ બન્યું હતું.

મીટર બદલવાની જીદ કરતા વીજ કર્મચારીઓ સામે ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા અને આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા મધ્યસ્થતા કરવામાં આવતા સ્થિતિ શાંત થઈ અને હાલ પૂરતી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી રોકી દેવામાં આવી છે.

બીજી તરફ, ગામમાં આજે પણ ઘણા લોકો સ્માર્ટ મીટર બાબતે અજાણ હોવાનું સામે આવ્યું છે. કેટલાક લોકોને ડર છે કે સ્માર્ટ મીટરથી વીજબીલ વધશે અથવા મોબાઇલ રિચાર્જની જેમ બેલેન્સ ખતમ થતાં લાઈટ બંધ થઈ જશે. ગ્રામજનોએ વીજ કંપનીને માંગ કરી છે કે સ્માર્ટ મીટરના લાભ-ગેરલાભ અને તેની જરૂરીયાત અંગે યોગ્ય રીતે જાગૃતિ લાવવામાં આવે, જેથી ગેરસમજ દૂર થઈ શકે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ