Vadodara

શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન​

પથ્થરોમાં પ્રાણ ફૂંકનારા પદ્મભૂષણ શિલ્પકારે નોઈડામાં લીધા અંતિમ શ્વાસ; વડાપ્રધાન મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક અને પદ્મભૂષણથી સન્માનિત સુપ્રસિદ્ધ શિલ્પકાર રામ વણજી સુતારનું બુધવારે મોડી રાત્રે નોઈડા સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. તેઓ 100 વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી વય સંબંધિત બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના પુત્ર અનિલ સુતારે આ દુઃખદ સમાચાર આપતા જણાવ્યું હતું કે, 17 ડિસેમ્બરની મધ્યરાત્રિએ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
19 ફેબ્રુઆરી 1925ના રોજ મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના ગોંડુર ગામમાં જન્મેલા રામ સુતારને બાળપણથી જ કલા પ્રત્યે આકર્ષણ હતું. તેમણે મુંબઈની વિખ્યાત જેજે સ્કૂલ ઓફ આર્ટ એન્ડ આર્કિટેક્ચરમાંથી ગોલ્ડ મેડલ સાથે અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારપછી તેમણે ભારતીય શિલ્પકળાને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવતી લાંબી અને પ્રેરણાદાયી કારકિર્દી બનાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ‘X’ પર શ્રદ્ધાંજલિ અર્પતા લખ્યું હતું કે, “શ્રી રામ સુતારજીના અવસાનથી ખૂબ જ દુઃખ થયું છે. તેઓ એક અદ્ભુત શિલ્પકાર હતા, જેમની નિપુણતાએ ભારતને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જેવા સીમાચિહ્નો આપ્યા છે. તેમણે આવનારી પેઢીઓ માટે રાષ્ટ્રીય ગૌરવને અમર બનાવ્યું છે.”
ભારતીય કલામાં તેમના અપ્રતિમ યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી (1999) અને પદ્મ ભૂષણ (2016) થી નવાજવામાં આવ્યા હતા. તાજેતરમાં જ તેમને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સર્વોચ્ચ ‘મહારાષ્ટ્ર ભૂષણ’ પુરસ્કાર પણ એનાયત થયો હતો.
​રામ સુતારના નિધનથી ભારતે એક એવા કલાકાર ગુમાવ્યા છે જેમણે પથ્થરો અને ધાતુઓમાં જીવ પૂરીને ભારતના ઈતિહાસને જીવંત રાખ્યો છે. તેમનો વારસો ભારતની માટીમાં હંમેશા અમર રહેશે.

રામ સુતારની અમર કૃતિઓ: એક નજર
​રામ સુતારે તેમના જીવનકાળ દરમિયાન હજારો મૂર્તિઓનું સર્જન કર્યું છે, જેમાંની કેટલીક ઐતિહાસિક પ્રતિમાઓ:
*​સ્ટેચ્યુ ઓફ યુનિટી (ગુજરાત): સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા, જે વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ છે.
*​મહાત્મા ગાંધી: તેમણે ગાંધીજીની 350થી વધુ મૂર્તિઓ બનાવી છે, જે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં સ્થાપિત છે.
*​ભગવાન શિવ (બેંગલુરુ): બેંગલુરુમાં આવેલી 153 ફૂટ ઊંચી ભવ્ય શિવ પ્રતિમા.
​ડૉ. બાબાસાહેબ *આંબેડકર: મુંબઈની ચૈત્યભૂમિ સહિત દેશના વિવિધ સ્થળોએ આંબેડકર સાહેબની પ્રતિમાઓ.
​છત્રપતિ સંભાજી *મહારાજ (પુણે): પુણેમાં સ્થિત 100 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા.

Most Popular

To Top