Vadodara

શિયાળાની શરૂઆત થઇ છતાં શાકભાજીના ભાવો ન ઘટ્યાં..

શાકભાજીના વધતા ભાવોએ લોકોના ઘરનું બજેટ ખોરવ્યુ,હવે હોટલમાં જમવાનું પણ મોંઘુ થયું

લગ્નપ્રસંગે પણ શાકભાજી માટેના બજેટમાં વધારાનો ખર્ચ કરવો પડી રહ્યો છે

શહેરમાં શિયાળાની ઋતુ શરૂ થઇ ગઇ છે શિયાળો જામવા લાગ્યો છે છતાં બીજી તરફ શાકભાજીના ભાવો ઘટવાનું નામ નથી લઈ રહ્યાં. સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં શાકભાજી સસ્તા થઇ જતાં હોય છે પરંતુ આ વર્ષે નવેમ્બર માસના અંત સુધીમાં પણ શાકભાજીના ભાવો ઘટવાને બદલે વધ્યાં છે જેના કારણે લોકોના ઘરના બજેટ ખોરવાયા છે.ખાસ કરીને ઘરમાં જ્યાં એક વ્યક્તિ કમાનારી હોય અને ચાર કે પાંચ સભ્યો હોય તેવા સામાન્ય પરિવારને ઘરનું બજેટ મેઇન્ટેઇન કરવું ખૂબ મુશ્કેલ બન્યું છે. એક તરફ લોકોની મર્યાદિત આવક છે તદ્પરાંત ગત ઓગસ્ટ મહિનામાં આવેલા પૂરને કારણે શહેરના લોકોએ લાખોનું નુકસાન વેઠવું પડયું હતું જેમાંથી બહાર આવતા હજી ઘણા લોકોને સમય લાગશે ત્યારે બીજી તરફ મોંઘવારી એ હવે માઝા મૂકી છે.

શિયાળાની ઋતુમાં લોકો લીલા શાકભાજી, લીલું તથા સૂકા લસણ,આદુ, લીલી હળદર, આંબા મોર હળદર, લીલા મરચાં નો ઉપયોગ વધુ કરે છે જેથી શિયાળામાં શરીરને ઠંડી સામે રક્ષણ માટે શરીરમાં ઇમ્યુનિટી વધે શરદી સામે રક્ષણ મળે તથા શરીરને પોષણ મળી રહે પરંતુ હાલમાં તમામ શાકભાજીના ભાવો આસમાને જોવા મળી રહ્યા છે તેવામાં લોકો શું પોતાના શરીર માટે શાકભાજી ખોરાકમાં લે તેની વિમાસણમાં પડી ગયા છે.જે લોકો બહાર ખાણીપીણી માટે મહિનામાં ચાર વાર જતાં હતાં તેઓને પોતાના શિડ્યુલને ઘટાડવાની નોબત આવી છે તેની પાછળનું કારણ હોટલ, રેસ્ટોરન્ટ માં હવે શાકભાજીના ભાવોમાં પણ વધારો કરી દેવામાં આવ્યા છે.મેનુકાર્ડમા અલગ અલગ શાકભાજી માટે નવા ભાવો ગ્રાહકને ચૂકવવા પડે છે.
શિયાળાની ઋતુમાં લોકો ઉંબાડિયું અથવા તો માટલા ઉંધીયું તથા લીલા પોંક નો સ્વાદ માણતા હતા પરંતુ હાલમાં જે રીતે શાકભાજી મોઘી બની છે તેને જોતાં હવે ઉંબાડિયું, માટલા ઉંધીયું પણ લોકો માટે દુર્લભ બની રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારો પ્રમાણે શાકભાજીના વેપારીઓ દ્વારા ગ્રાહકો પાસેથી શાકભાજીના ભાવો લેવામાં આવે છે. શહેરમાં સૌથી મોટા શાકમાર્કેટ એટલે એપીએમસી, ખંડેરાવ માર્કેટ, ગધેડા માર્કેટ ચારરસ્તા,કડક બજાર,ઈલોરાપાર્ક, તરસાલી શાક માર્કેટ, ગોરવા શાકમાર્કેટ, માંજલપુર ભાયલી -વાસણા રોડ, ખાતે મોટા શાકભાજીના સ્ટોલ જોવા મળે છે તદ્પરાંત શહેરમાં નાના શાકભાજીના સ્ટોલ્સ તથા ફેરિયાઓ અને પથારાવાળા શાકભાજીના અલગ અલગ ભાવો ગ્રાહકો પાસેથી લેતા હોય છે.
હાલમાં લગ્નસરાની સિઝન પણ શરૂ થઇ ગઇ છે ત્યારે કેટરિગવાળા કેટરર્સ પણ પોતાના બજેટમાં વધારો કર્યો છે.લગ્નમા મેનુની ડિમાન્ડ મુજબ શાકભાજીના અલાયદા ખર્ચ વધી ગયા છે જેના કારણે લગ્નપ્રસંગે બજેટમાં વધારો થયો છે.

હાલમાં શાકભાજીના ભાવો પ્રતિ કિલોગ્રામ નીચે પ્રમાણે જોવા મળી રહ્યાં છે.

ડુંગળી રૂ.40 થી 50
બટાટા રૂ.45 થી 50
ફૂલેવાર રૂ.50 થી 60
કોબીજ રૂ.40 થી 50
ગાજર રૂ.60 થી 80
રીંગણા રૂ.30 થી 40
ટામેટાં રૂ.400થી 50
દૂધી રૂ.25 થી 30
ગલકા રૂ.30 થી 40
મેથીભાજી રૂ. 60 થી 80
પાલકની ભાજી રૂ.30 થી 40
લીલા ધાણા રૂ.60 થી 80
લીલાં મરચાં રૂ.40 થી 50
આદું રૂ.60 થી 70
સુકું લસણ રૂ.500
લીલું લસણ રૂ.400
લીલી હળદર રૂ.50 થી 60
આંબા મોર રૂ.80થી100
ચોરી રૂ.50 થી 60
ભીંડા રૂ.60 થી 70
બીટ રૂટ.60 થી 70
તુવેર રૂ.100 થી 120
લીલાં વટાણા રૂ.160 થી 180
શક્કરિયા રૂ.50 થી 60
ગિલોળા રૂ.30 થી 40

બીજીવાર આવેલી અતિવૃષ્ટિના કારણે શાકભાજીના બિયારણ નષ્ટ થતાં આવક ઘટી.

હાલમાં શિયાળામાં પણ શાકભાજીના ભાવો આસમાને રહેવા પાછળનું કારણ ગત ઓગસ્ટમાં આવેલા પૂર બાદ બીજી વાર પણ અતિવૃષ્ટિ થી શાકભાજીના બિયારણ નાખ્યા હતા તે ખેતરોમાં પાણી ભરાઇ જતાં શાકભાજી ની ઓછી પેદાશ ને કારણે શાકભાજી ની આવક ઘટી છે જેના કારણે ભાવ ઉંચા છે પરંતુ ડિસેમ્બર મધ્ય થી ભાવોમાં ઘટાડો થવાની શક્યતા છે.

દેવીસહાય અગ્રવાલ -શાકભાજીના વેપારી

Most Popular

To Top