
શિનોર
શિનોર પોલીસ મથકે તા. ૬ ફેબ્રુઆરીએ નોંધાયેલા રૂ. 75,75,550ના હનીટ્રેપ કેસમાં પકડાયેલા ત્રીજા આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં નામદાર કોર્ટે તેને શરતી જામીન પર મુક્ત કર્યો છે. બીજી તરફ, પોલીસે તેના પુત્રની અટકાયત કરી રિમાન્ડ માગતા કોર્ટે ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મળતી માહિતી મુજબ તા. ૧ મે 2025 થી તા. ૨૯ ઑક્ટોબર 2025 દરમિયાન બનેલા ગુનાની ફરિયાદ તા. ૬ ફેબ્રુઆરી 2026ના રોજ ફરિયાદી હરેન્દ્ર રણછોડ પટેલે ૯ આરોપીઓ સામે નોંધાવી હતી. કેસની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. ડી.આર. ભાદરકા દ્વારા હાથ ધરાઈ હતી.
પ્રારંભમાં બે આરોપી અનવર મન્સૂરી અને સલીમ ઉર્ફે બતકની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન રૂ. 4,18,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્ય આરોપી આશિક સિકંદર પઠાણ, જેના હાથે સમગ્ર રકમ આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું, તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના રિમાન્ડ દરમિયાન રૂ. 14 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
તા. ૨૭ના રોજ તેના રિમાન્ડ પૂર્ણ થતાં નામદાર કોર્ટે તેની જામીન અરજી મંજૂર કરી શરતોને આધીન મુક્ત કર્યો છે. રિમાન્ડ દરમિયાન ખુલેલા ચોથા આરોપી અને આશિક પઠાણના પુત્ર અશફાક પઠાણને કોર્ટે ૬ દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે.
ફરિયાદમાં દર્શાવાયેલા અન્ય છ આરોપીઓમાં મનીષા ઉર્ફે શાંતા વસાવા (રાજપારડી), તેનો પતિ, બનેવી, માતા, બહેનપણી તથા એક અજાણ્યા વ્યક્તિનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા તેમની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.