ભવ્ય શોભાયાત્રા, મહા આરતી અને બાળાઓ દ્વારા કેક કાપી અનોખી ઉજવણી
શિનોર |
શિનોર તાલુકાના નર્મદા કિનારે આવેલા રાણાવાસ ગામના પ્રસિદ્ધ અંબાજી મંદિરે પોષી પૂનમના પાવન અવસરે માઁ અંબાના પ્રાગટ્ય દિનની ભવ્ય અને ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માઁ અંબાની પ્રતિમા સાથે ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા, મહા આરતી અને નાની બાળાઓ દ્વારા કેક કાપી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

રાણાવાસના યુવાનો દ્વારા ગઈકાલથી જ માઁ અંબાના પ્રાગટ્ય દિનની ઉજવણી માટે મંદિર પરિસરને ધજા-પતાકા અને ફુગ્ગાઓથી સુશોભિત કરવામાં આવ્યું હતું. પોષી પૂનમના દિવસે વહેલી સવારથી જ માઈ ભક્તો માઁના દર્શન માટે ઉમટી પડ્યા હતા.

સવારે અંદાજે 10 વાગ્યે રાણાવાસ અંબાજી મંદિરમાંથી માઁ અંબાની પ્રતિમાને ડીજે પર ભજનો, સ્તુતિઓ અને આતશબાજી સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા મંદિરેથી શરૂ થઈ મેન બજાર, બસ સ્ટેન્ડ અને રણછોડજી મંદિર પાસેથી પસાર થઈ બપોરે 12 વાગ્યે ફરી મંદિરે પરત ફરી હતી. શોભાયાત્રામાં ગામના આગેવાનો, મહિલાઓ અને મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

શોભાયાત્રા બાદ મંદિરમાં મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતીમાં ગામના આગેવાન સચિન પટેલ, ઉપ સરપંચ નિતિન ખત્રી સહિત ગ્રામજનો અને માઈ ભક્તોએ ઉપસ્થિત રહી માઁના દર્શન અને પ્રસાદીનો લાભ લીધો હતો. મહા આરતી બાદ નાની નાની બાળાઓ અને ગામના આગેવાનો દ્વારા કેક કાપવામાં આવી, જેને પગલે “હેપી બર્થડે માઁ અંબા”ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાણાવાસ ગામમાં ભક્તિ, ઉત્સાહ અને આનંદનું અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું અને માઈ ભક્તોએ માઁ અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટર: અમિત સોની