શિનોર તાલુકાની સાધલી ગ્રામ પંચાયતમાંથી સાડા આઠ મહિના પહેલા જુના તલાટી નીતિન જેતાણીએ રૂ.11.56 લાખની ઉચાપત કરી હતી. સાધલીના પૂર્વ તલાટીએ 11.56 લાખ ચાઉ કર્યા તેના સમાચારો વારંવાર ચમકતાં હાલના સેકન્ડ તલાટી દ્વારા જુના તલાટી તથા તેના મદદગાર સામે એફ.આઇ.આર .નોંધાવાઈ છે. જેની તપાસ અ.હે.કો. વર્ધાજી કરી રહ્યા છે અને એકની અટક કરી છે.
સાધલી ગ્રામ પંચાયતમાંથી જુના તલાટી નીતિન મુકેશ જેતાણી દ્વારા તારીખ 4 મે 2024 ના રોજ સરકારી ગ્રાન્ટ ના આવેલા રૂપિયા 10,20,856 અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવાનું કહીને સરપંચની સહી કરાવી પોતાના અંગત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શિનોર ના ખાતામાં આર. ટી.જી.એસ.થી જમા કરી ઉપાડી લીધા હતા.તે અગાઉ બેંક ઓફ બરોડા માંથી રૂપિયા 1,44,500નો ચેક પટેલ અલ્પેશ ભાઈલાલભાઈ અવાખલવાળાને લખી આપી તેઓએ રોકડા ઉપાડી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને સરકારી નાણા અંગત ઉપયોગમાં લઈ એકબીજાને મદદગારી કરી ઉચાપત કરી હતી.
અગાઉનો રોજ મેળ બાકી હોવાથી તે લખતી વખતે ફરિયાદી તલાટી જીતેન્દ્ર ડામોરના ધ્યાને સરકારી નાણાંની ઉચાપત માલુમ પડી હતી . તેના કારણે શિનોર પોલીસ સ્ટેશને એફ.આઇ.આર. કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જુના તલાટી નીતિન મુકેશ જેતાણી એ અગાઉ તારીખ 2 જુલાઈ 2024 ના રોજ પંચાયતના બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક માંથી ₹2,50,000 પોતાના નામે ઉપાડેલા અને તારીખ 15 જુલાઈ 2024 ના રોજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં જમા કરાવ્યા હતા. જેને હંગામી ઉચાપત ગણી શકાય. નિતીન જેઠાણીની સાધલી ગ્રામ પંચાયતમાં તારીખ 19 ફેબ્રુઆરી 2024 થી ફર્સ્ટ તલાટી તરીકે નિમણૂક થઈ હતી, પરંતુ તારીખ 1 સપ્ટેમ્બર 2024 થી નોકરી પર આવતા બંધ થયા હતા, જે અંગે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતા તેઓએ મામલતદાર શિનોરને આ તલાટીનું પક્ડ વોરન્ટ કાઢવા જણાવ્યું હતું અને તારીખ 18 સપ્ટેમ્બર તથા તારીખ 20 સપ્ટેમ્બર 2024 ના રોજ પકડ વોરંટ નીકળ્યું હતું.b પરંતુ તે તલાટી મળ્યો ના હોવાથી પરત આવ્યા હતા. આમ 8 થી 9 મહિના પહેલા થયેલી ઉચાપત ની ફરિયાદ તારીખ 22 જાન્યુઆરી 2025 ના રોજ નોંધાવી છે. નવ મહિના સુધી સાધલી ગ્રામ પંચાયતના સરપંચ સહિત તમામ સદસ્યોએ આ ઉચાપત કેમ ચલાવી લીધી ,તે મોટો પ્રશ્ન ઉભો થાય છે. કારણકે સાધલી ગ્રામ પંચાયતની સામાન્ય સભા દર મહિને નિયમિત મળે છેઅને તેમાં હિસાબની આવક જાવક સર્વાનુમતે મંજૂર થાય છે . બીજી મિટિંગમાં તેને બહાલી પણ આપવામાં આવે છે. શિનોર પોલીસે બી.એન.એસ.એસ. ની કલમ 173 હેઠળ ગુનો નોંધી ઇ.પી.કો. કલમ 409 તથા 114 મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને મદદગાર પટેલ અલ્પેશ ભાઈલાલભાઈ અવાખલ વાળાને અટક કર્યા છે. તલાટી નિતીન જેતાણી ના હજુ સુધી કોઈ સગળ મળ્યા નથી.
સાધલી ગ્રામ પંચાયત મહિલા સદસ્યાના પતિ સરફરાજ નકુમ દ્વારા આ ઉચાપત બાબતે સરપંચ તથા તલાટી બાબતે ઉચ્ચ કક્ષાએ રજીસ્ટર પોસ્ટથી લેખિત રજૂઆતો કરાઇ છે.
