‘નકલી પત્રકારો’ દ્વારા તોડ કરાયાની ચર્ચાથી ચકચાર
શિનોર |
શિનોર તાલુકાના પુનિયાદ ગામ નજીક લક્કડચોરી કરનાર વિરપ્પન બેફામ બન્યા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. પુનિયાદ–ભેખડા કેનાલના માર્ગ પર ગેરકાયદેસર રીતે વૃક્ષો કપાતાં હોવાના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.
પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 14 ડિસેમ્બરની રાત્રી દરમિયાન પુનિયાદ–ભેખડા કેનાલના માર્ગ પર ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે પુનિયાદ ગામમાં ફફડાટ ફેલાયો હતો. ગ્રામ્ય સ્તરે ચર્ચા છે કે આ વિસ્તારમાં લાંબા સમયથી લક્કડચોરીનો બે નંબરી ધંધો કાયમી ધોરણે ચાલી રહ્યો છે.
લક્કડચોરી સામે તંત્રના આંખ આડા કાન?
શિનોર તાલુકામાં લક્કડચોરી કરનાર માટે પુનિયાદ ગામ જાણે મોકળું મેદાન બની ગયું હોય તેમ ગેરકાયદેસર ધંધો નિર્ભય રીતે ચાલી રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ગ્રામ્ય સ્તરથી લઈને તાલુકા સ્તર સુધીનું જવાબદાર તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવો સવાલ ઊભો થયો છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ પ્રકાશમાં આવેલા એક ગેરકાયદેસર વૃક્ષ છેદનના કેસમાં પંચાયત દ્વારા માત્ર રૂ. 5,000નો દંડ કરવામાં આવ્યો હતો, જેનાથી દબાણકારો વધુ નિર્ભય બન્યા હોવાની ચર્ચા છે.
પત્રકાર હોવાનું કહી’ તોડ કરી રવાના થયાની ચર્ચા
14 ડિસેમ્બરની રાતે ચાલતા ગેરકાયદેસર વૃક્ષ કટીંગ દરમિયાન સ્થળ પર સાધલી તરફથી આવી પહોંચેલા ત્રણથી ચાર ઇસમોએ પોતે પત્રકાર હોવાનું કહી મોટો તોડ કર્યો હોવાની ચર્ચાએ ગામમાં જોર પકડ્યું છે. આ ઇસમો તોડ કરી રવાના થઈ ગયા હોવાના આક્ષેપો થતાં નકલી પત્રકારોની ભૂમિકા પર પણ સવાલ ઊભા થયા છે.
પંચાયત હરકતમાં, મામલતદારને લેખિત જાણ
આ સમગ્ર ઘટનાને પગલે તારીખ 15 ડિસેમ્બરના રોજ પુનિયાદ ગ્રામ પંચાયત હરકતમાં આવી હતી. પંચાયત દ્વારા સ્થળ પંચનામું કરી શિનોર મામલતદારને લેખિત જાણ કરવામાં આવી હતી. જેમાં પુનિયાદ–ભેખડા કેનાલના માર્ગ પરથી ચાર દેશી બાવળના વૃક્ષોનું ગેરકાયદેસર કટીંગ શાહિલહુસેન અને તેના સાગરિતો દ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.
પંચાયત દ્વારા સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા હેઠળ કાયદેસર કાર્યવાહી કરવા ભલામણ કરવામાં આવી છે.
અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી થશે?
પુનિયાદ ગામમાં દેશી-વિદેશી દારૂ ઉપરાંત ગેરકાયદેસર રીતે વૃક્ષો કપાતાં હોવાની અસામાજિક પ્રવૃત્તિઓ સતત વધી રહી છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે તંત્ર આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ખરેખર કડક અને અસરકારક કાર્યવાહી કરશે કે નહીં?
નકલી પત્રકારો કોણ? તોડપાણી કરનાર તત્વો પર ક્યારે કાર્યવાહી?
°આ કેસમાં પોતે પત્રકાર હોવાનું જણાવી તોડ કરી રવાના થયેલા ઇસમો કોણ હતા?
°પત્રકાર અને પોલીસના નામે અવારનવાર તોડપાણી કરનાર આ તત્વો સામે તંત્ર ક્યારે લાલ આંખ કરશે?
°શિનોર પંથકમાં દિવસેને દિવસે વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લાગશે કે કેમ — તે જોવું રહ્યું.