શિનોર તાલુકાના સીમળી ગામે પશુઓ ચરાવવા ગયેલા પશુપાલકના ગળે ચાકુ મૂકીને બકરાં ચોરો 9 જેટલા બકરાં ઉઠાવી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
શિનોર તાલુકાના સીમળી ગામે રહેતા પશુપાલક મંગળભાઈ બપોરના 1.30 કલાકે તેરસાથી સીમળી જવાના રસ્તા પર નર્મદા કેનાલના નાળા પાસે બકરાંઓ ચરાવી રહ્યા હતાં. તે દરમિયાન કેનાલના રસ્તે એક કાર આવી હતી. આ કાર માં આવેલા બકરાંચોરો પશુપાલક પાસે આવી ગળે ચાકુ મૂકીને આશરે રૂપિયા 80 થી 90 હજારની કિંમત ના 9 જેટલાં બકરાંઓ કારમાં ઉઠાવી ચોરી ગયા હતાં. જે અંગેની જાણ પશુપાલક ધ્વારા શિનોર પોલીસને કરાઈ હતી. જેની જાણ થતાં જ શિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે શિનોર તાલુકાના સીમળી ગામે ધોળા દિવસે બકરાં ચોરો 9 જેટલા બકરાઓ ઉઠાવી જતાં પશુપાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
