મામલતદાર કોર્ટનો ચુકાદો : આંબાના ઝાડ બદલ રૂ.500નો દંડ, પદ પરથી દૂર કરવાની ચર્ચા
શિનોર: શિનોર તાલુકાના મોટા ફોફળીયા ગામમાં બિનપરવાનગી રીતે આશરે 50 વર્ષ જૂના આંબાના ઝાડનું કાપકામ કરવામાં આવ્યું હોવાના મામલે મામલતદાર તથા એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ શિનોરે ગામના ઉપસરપંચ સહિત ત્રણ જણાને કસૂરવાર ઠેરવી રૂ.500નો દંડ ફટકાર્યો છે. આ ઘટનાને પગલે ઉપસરપંચ સામે ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી થઈ શકે તેવી ચર્ચા શિનોર પંથકમાં ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ મોટા ફોફળીયા ગામના જાગૃત નાગરિક વસાવા રમેશભાઈ કાનજીભાઈએ જુલાઈ 2025માં મામલતદાર તથા એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ, શિનોર સમક્ષ અરજી કરી હતી. જેમાં મોટા ફોફળીયાથી બીથલી જવાના માર્ગ પર તળાવની પાળ પાસે આવેલ આશરે 50 વર્ષ જૂનું આંબાનું ઝાડ કોઈપણ પ્રકારની મંજૂરી વિના કાપી તેના લાકડાનું વેચાણ ગામના ઉપસરપંચ દ્વારા કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
અરજીના આધારે કેસની નોંધણી કરીને પક્ષકારોને નોટિસ પાઠવી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સ્થળ તપાસ માટે તલાટી કમ મંત્રી, મોટા ફોફળીયાનો અહેવાલ તેમજ રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાઓના આધારે જાણવા મળ્યું કે આંબાના ઝાડની ડાળીઓ કાપવામાં આવી હતી.
કોર્ટે માન્યું કે પ્રતિવાદી પક્ષે મોટાફોફળીયા ગામના ઉપસરપંચ હાર્દીકભાઈ વસાવા તથા અન્ય બે વેપારીઓએ બિનપરવાનગી રીતે વૃક્ષછેદન કરીને સૌરાષ્ટ્ર વૃક્ષછેદન અધિનિયમ-1951ની કલમ 3(ક)નો ભંગ કર્યો છે. તેથી તેમને કસૂરવાર ઠેરવી મામલતદાર શિનોરે એક આંબાના ઝાડ બદલ રૂ.500નો દંડ ફટકાર્યો છે.
દંડની રકમ 0029-એલઆર હેઠળ 7 દિવસમાં સરકારી તિજોરીમાં જમા કરી તેની અસલ ચલણ કોર્ટ સમક્ષ રજૂ કરવાની રહેશે. સાથે જ કાપવામાં આવેલ લાકડું નજીકના સ્મશાન ખાતે આપવાની સૂચના પણ આપવામાં આવી છે. આ હુકમથી અસંતોષ હોય તો પક્ષકારો 30 દિવસની અંદર નાયબ કલેક્ટર, કરજણ સમક્ષ અપીલ કરી શકે છે.
રિપોર્ટર: અમિત સોની