Shinor

શિનોર તાલુકાના મોટા ફોફળીયાની શ્રી છોટુભાઈ એ. પટેલ હોસ્પિટલને TB ડાયગ્નોસ્ટિક ટ્રુનેટ મશીન અર્પણ


શિનોર |
શિનોર તાલુકાના મોટા ફોફળીયા ખાતે આવેલી શ્રી છોટુભાઈ એ. પટેલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રને ક્ષયરોગ (TB)ના ઝડપી અને ચોક્કસ નિદાન માટે TB ડાયગ્નોસ્ટિક ટ્રુનેટ મશીન અર્પણ કરવામાં આવ્યું છે. આ મશીન અર્પણનો કાર્યક્રમ તા. 19 જાન્યુઆરી 2026, સોમવારના રોજ સવારે 10.30 કલાકે વડોદરા સ્થિત એસએસજી હોસ્પિટલના કોવિડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હોલ, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ કચેરી ખાતે યોજાયો હતો.
આ આધુનિક મશીન Lions Clubs International દ્વારા “Shine For Better Tomorrow” સૂત્ર હેઠળ એનાયત કરવામાં આવ્યું છે. ટ્રુનેટ મશીન દ્વારા TBનું ઝડપી, ચોક્કસ અને સમયસર નિદાન શક્ય બનશે, જેના પરિણામે સમયસર સારવાર શરૂ કરી TBના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો લાવવામાં મદદ મળશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓ માટે આ મશીન અત્યંત ઉપયોગી સાબિત થશે.
કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તરીકે વિભાગીય નાયબ નિયામક ડૉ. સુરેન્દ્ર જૈન, જિલ્લા મુખ્ય અધિકારી ડૉ. મિનાક્ષીબેન, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. વિપુલભાઈ ત્રિવેદી તેમજ સયાજી હોસ્પિટલના ડીન ડૉ. રંજન ઐયર સહિત અન્ય અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાયન્સ ક્લબ તરફથી લાયન રમેશભાઈ પ્રજાપતિ તથા લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાણા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આરોગ્ય ક્ષેત્રે લાયન્સ ક્લબ્સ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવા પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.
શ્રી છોટુભાઈ એ. પટેલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર તરફથી ડૉ. નિરવ પટેલે TB ડાયગ્નોસ્ટિક ટ્રુનેટ મશીનનો ઔપચારિક સ્વીકાર કરી લાયન્સ ક્લબ્સનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ સરકારી આરોગ્ય સંસ્થાઓ અને સામાજિક સેવા સંસ્થાઓ વચ્ચેના સહકારનું ઉત્તમ ઉદાહરણ બની TB મુક્ત ભારત તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

રિપોર્ટર: અમિત સોની

Most Popular

To Top