Shinor

શિનોર તાલુકાના તેરસા ગામે જીવતા વીજ કરંટથી બે ભેંસોના મોત

જૂના પાણીના હવાડા પાસે તૂટેલા જીવંત તારથી અબોલ પશુઓ ભોગ બન્યા


ગુજરાત મિત્ર ન્યુઝ,
શિનોર :

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના તેરસા ગામે આજે એક ગંભીર બનાવ સામે આવ્યો હતો. ગામના પાછળ આવેલા જુના પાણીના હવાડા (ઓવારો) નજીક એમજીવીસીએલની વીજ લાઇનના જીવંત તાર અચાનક તૂટી પડતાં ઘાસ ચારો ચરતી બે ભેંસોને કરંટ લાગ્યો હતો, જેમાં બંને ભેંસોના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે સાથે રહેલી અન્ય ભેંસો સમયસર ભાગી જતા બચી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, ગામના ખેડૂતોના ખેતરોમાં આવેલા કુવાઓ માટે એમજીવીસીએલ દ્વારા વીજળીની લાઈનો નાખવામાં આવી છે. કોઈ કારણસર આજે આ જીવંત વીજ તાર તૂટી પડ્યા હતા. આ દુર્ઘટનામાં પટેલ અશોકભાઈ શામળભાઈ (રહે. તેરસા, હાલ યુ.એસ.એ.)ની માલિકીની બે ભેંસોને વીજ કરંટ લાગતાં મોત થયા હતા.

ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષોમાં પણ આ જ અશોક પટેલના ખેતરમાં જીવતા કરંટના કારણે ઘોડાઓના મોત થયાની ઘટના બની ચૂકી છે, છતાં વીજ વિભાગ દ્વારા કાયમી અને સુરક્ષાત્મક પગલાં લેવાયા ન હોવાનું ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે.

બે અબોલ પશુઓના મોતથી તેરસા ગામમાં ગમગીનીનું વાતાવરણ છવાઈ ગયું છે. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ તાત્કાલિક વીજ વિભાગના કર્મચારીઓને કરતાં એમજીવીસીએલ દ્વારા તરત જ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ માનવ જાનહાનિ કે અન્ય મોટું નુકસાન થયું નથી.

Most Popular

To Top