હિન્દુ યુવાનોમાં રાષ્ટ્રભક્તિ અને સ્વાભિમાન જાગૃત કરવાનો હેતુ
શિનોર: ગીતા જયંતી નિમિત્તે શૌર્ય દિવસ અંતર્ગત શિનોર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા હિન્દુ યુવાનોની શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિનોર પ્રખંડના યુવાનોમાં રાષ્ટ્રભક્તિ, હિન્દુ સનાતન ધર્મ પ્રત્યે નિષ્ઠા તેમજ સ્વાભિમાન પ્રગટે તે હેતુ સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા શિનોરના રણછોડજી મંદિરથી રામજી મંદિર સુધી યોજાઈ હતી અને ત્યારબાદ રામજી મંદિરથી પુનઃ રણછોડજી મંદિર સુધી પૂર્ણ કરવામાં આવી હતી.

હિન્દુ સમાજમાં એકાત્મતા અને સંસ્કાર સિંચનનો સંદેશ
યાત્રા પૂર્ણ થયા બાદ બજરંગ દળના દક્ષિણ ગુજરાત પ્રાંતના સહસંયોજક દેવાંગભાઈ બી. પંડ્યા દ્વારા હિન્દુ સમાજમાં એકાત્મતાનો ભાવ પ્રગટે, સમાજ એક સાથે કદમથી કદમ મિલાવી ચાલે અને હિન્દુ સમાજનું માન વધે તેવા ઉદ્દેશ સાથે પ્રેરણાદાયક પ્રવચન આપવામાં આવ્યું હતું. તેમણે યુવાનોમાં જોશ વધે, તેઓ નિર્વ્યસની બને તેમજ સંસ્કાર સિંચન સાથે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં જોડાય તેવા આહ્વાન સાથે ઉત્સાહવર્ધક વાતો રજૂ કરી હતી.

નવા કાર્યકરોની નિમણૂક, પોલીસની કડક તકેદારી
કાર્યક્રમ બાદ શિનોર પ્રખંડના પરેશભાઈ ભટ્ટ, જીગ્નેશ વાળંદ, જય પટેલ, વિપુલ જોશી, દર્શ નિઝામા તથા યશ માછીને બજરંગ દળના કાર્યકર તરીકે નિમણૂક આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શિનોર પોલીસ દ્વારા યોગ્ય સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવાનોની ઉત્સાહભેર હાજરી જોવા મળી હતી અને સમગ્ર આયોજન સફળ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું.