શિનોર: શિનોર તાલુકામાં નર્મદા નદીના કિનારે કંજેઠા ખાતે આવેલા સૌભાગ્ય સુંદરી માતાજીના મંદિર પર ગતરાત્રિના મોટા ધડાકા સાથે વીજળી પડતા માતાજીના મંદિરને ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે.
શિનોર તાલુકાના નર્મદા નદીના કિનારે કંજેઠા ગામે અતિ પૌરાણિક સૌભાગ્ય માતાજીનું મંદિર આવેલું છે ગઈકાલે આખો દિવસ પંથકમાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ હતું ઓતરા ચિંતરાના તાપની ગરમીથી લોકો આકુળવ્યાકુળ થયા હતા. રાત્રિના બારેક વાગ્યાના સુમારે કંજેઠા ગામે ખૂબ મોટો ધડાકો થઈ આકાશમાંથી વીજળી પડી હતી. લાઇટો પણ જતી રહી હતી. સવારના સમયે સૌભાગ્ય સુંદરી માતાજીની પૂજા અર્ચના કરવા નીરૂબેન કનુગીર ગોસાઈ મંદિરમાં ગયા તો મંદિરના પરિસરમાં મંદિરના શિખર પરનો ધ્વજ દંડ નીચે પડેલો હતો. શિખર પર ગાબડા તિરાડો જોવા મળ્યા હતા. ગર્ભગૃહમાં જઈ તપાસ કરતા દીવાલમાં સાતેક ફૂટ જેટલી તિરાડો પડી ગઈ હતી અને મંદિરના પિલરમાં ગાબડા પડી તૂટેલા જોવા મળ્યા હતા. ઇલેક્ટ્રીકસીટી નું વાયરીંગ અને બોર્ડ પણ બળેલા જોવા મળ્યા હતા મંદિર પરિસરમાં આવેલા અન્ય કરંજેશ્વર મહાદેવ નાગેશ્વર મહાદેવના મંદિરના ઇલેક્ટ્રીક વાયરીંગને પણ મોટું નુકસાન થયું છે રાત્રિના થયેલા ધડાકા સાથે આકાશમાંથી વીજળી પડેલી તેને કારણે નુકસાન થયું હોવાનું નીરૂબેન ગોસાઈ એ જણાવ્યું છે.
શિનોર પંથકમાં વાતાવરણમાં અચાનક રાત્રિના થયેલા ફેરફારથી મોટા ધડાકા સાથે કંજેઠા ગામે સૌભાગ્ય સુંદરી માતાજીના મંદિર સહિત પરિસર ના અન્ય મંદિરોને વીજળી પડતા મોટું નુકસાન થતાં વહિવટી તંત્ર અને મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ કંજેઠા દોડી ગયા છે.
માતાજીનું પૌરાણિક મંદિર આસ્થા નું ધામ*
સૌભાગ્ય સુંદરી માતાજીનું પૌરાણિક મંદિર આસ્થાનું કેન્દ્ર છે સૌભાગ્ય સુંદરી માતાજીની મૂર્તિ સ્થાપિત નહીં પરંતુ સ્વયંભૂ છે. માતાજી અહીં પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે. નર્મદા પુરાણ મુજબ માતાજીનું પહેલા નામ ખ્યાતી હતું. નર્મદા નદીનો તટ ઉત્તરવાહિની હોય માતાજીએ બ્રહ્માજીની તપસ્યા કરી વરદાન આપેલું તે અહીંયા સૌભાગ્યવતી સ્ત્રી જે કોઈ ઈચ્છા લઈને આવે છે તેની ઈચ્છા પૂર્ણ થશે. ત્યારથી ખ્યાતિ પરથી માતાજીનું નામ સૌભાગ્ય સુંદરી પડ્યું છે. બીજી લોકોક્તિ એવી છે કે સૌભાગ્ય માતાજીની મૂર્તિ દર વર્ષે વધે છે અને કેવી રીતે વધે છે તેની કોઈને ખબર નથી. સૌભાગ્ય સુંદરી માતાજીનું વિશ્વમાં આ એક જ મંદિર છે. જે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં આસ્થાનું ધામ છે.જેને આજે કડાકા સાથે વીજળી પડવાથી નુકસાન થતાં ધર્મ પ્રિય જનતામાં દુઃખની લાગણી વ્યાપી છે.