Shinor

શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત

મોટરસાઇકલને અડફેટે લેતા ચાલકનું સ્થળ પર મોત, એક ઇજાગ્રસ્ત

શિનોર: વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક મોટરસાઇકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે, જ્યારે પાછળ બેઠેલા સહયાત્રીને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના ડભોઇથી શિનોર તરફ જઈ રહેલી સરકારી એસ.ટી. બસે શિનોર નજીક એક મોટરસાઇકલને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મોટરસાઇકલ ચાલકનું સ્થળ પર જ મોત થયું હતું.

અકસ્માતની જાણ થતાં જ શિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઇજાગ્રસ્તને તાત્કાલિક ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. જ્યારે મૃતકને પોસ્ટમોર્ટમ માટે પણ મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો.

અકસ્માતમાં મોટરસાઇકલ પાછળ સવાર વ્યક્તિને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. બંને મોટરસાઇકલ સવાર મેહુલ અને સુરેશ નામના હોવાનું તથા તેઓ સંખેડા તાલુકાના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

શિનોર પોલીસે સરકારી એસ.ટી. બસ ચાલક વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માત અંગેની કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.

Most Popular

To Top