Shinor

શિનોરમાં આંગણવાડી કેન્દ્ર જોખમમાં: બાળકોના જીવન સાથે રમાતું બેદરકારીનું રમખાણ!

નાનું મકાન, જોખમી રસોડું અને ગેસ લીકેજનો ભય

શિનોર: વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામે વોટર વર્ક્સ અને બાંગ્લાદેશ વિસ્તારમાં સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) હેઠળ ચાલતું આંગણવાડી કેન્દ્ર હાલ અત્યંત અસુરક્ષિત અને આરોગ્યપ્રદ ન હોવાના કારણે ગ્રામજનોમાં ભારે ચિંતા ફેલાઈ છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ આંગણવાડીનું મકાન બાળકોની સંખ્યાની સરખામણીએ ખૂબ નાનું છે. ખાસ કરીને રસોડું અને સ્ટોર રૂમ એક જ જગ્યાએ હોવાના કારણે ગેસ લીકેજ જેવી ગંભીર દુર્ઘટનાની શક્યતા ઊભી થઈ છે, જેનાથી સેવિકા, સહાયક અને નાના બાળકોના જીવને મોટું જોખમ છે.
➡️ એક જ પ્રવેશ માર્ગથી વધ્યું જોખમ, તાત્કાલિક સ્થળાંતરની માંગ

આંગણવાડી મકાનમાં પ્રવેશ માટે માત્ર એક જ દરવાજો હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના બને તો બાળકોને સલામત રીતે બહાર કાઢવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે. ગ્રામજનોનું માનવું છે કે હાલની પરિસ્થિતિમાં આ મકાનનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તેથી તેઓએ આંગણવાડી કેન્દ્રને તાત્કાલિક બંધ કરીને તેને ગામની પ્રાથમિક શાળાના કેમ્પસમાં સ્થળાંતર કરવાની માંગ કરી છે, જ્યાં સુરક્ષિત અને વિશાળ નવું મકાન તૈયાર કરી શકાય.

આ મુદ્દે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતથી લઈ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ધારાસભ્ય તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ સુધી લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. ગ્રામજનોને આશા છે કે બાળકોના હિતને ધ્યાનમાં રાખીને તંત્ર ઝડપથી પગલાં લેશે.

રિપોર્ટર: અમિત સોની

Most Popular

To Top