વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરોએ એક કલાકની ભારે જહેમત ઉઠાવવી પડી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.11
વડોદરામાં વન્યજીવો પોતાનું વાતાનુકુલીત વાતાવરણ છોડી રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાના બનાવોનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. સુંઢિયાના ખેતરમાં શિકારની શોધમાં આવી ગયેલા મહાકાય મગરનું કલાકની ભારે જહેમતે રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.

વડોદરા શહેરમાં હજી પણ મગર રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ગત મોડી રાત્રીએ એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વન્યજીવો માટે કાર્ય કરતી સંસ્થા વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર દેણા ગામના સરપંચે જાણ કરી હતી કે, ગામમાં સુંઢીયાના ખેતરમાં મોટો મગર આવી ગયો છે, જેથી અરવિંદ પવારે ત્વરિત સંસ્થાના કાર્યકરો ઈશ્વર ચાવડા, હાર્દીક પવાર, અર્જુન પરમારને દેણા ગામ ખાતે મોકલ્યા હતા. જ્યાં તપાસ કરતા ખેતર પાસેની પાણીની નહેરમાં મહાકાય મગર નજરે પડ્યો હતો. જેને એક કલાકની ભારે જહેમત બાદ મગરને સહિસલામત રેસ્કયુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.