Vadodara

વડોદરા નજીક પીપળિયા ગામે બરોડા પબ્લિક સ્કૂલનું ઉદ્દઘાટન કરતા મુખ્યમંત્રી

ખાનગી શાળાઓમાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા વિકસાવવા મુખ્યમંત્રીનું આહ્વાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારપૂર્વક જણાવ્યું કે, રાજ્યમાં વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કારણે ડ્રોપ આઉટ રેશિયો ઘટીને બે ટકા જેટલો થયો છે. હવે શાળાઓમાં બાળકોનું સો ટકા નામાંકન થાય છે.
વડોદરા નજીક વાઘોડિયા રોડ ઉપર પીપળિયા ગામે નવનિર્મિત બરોડા પબ્લિક સ્કૂલના ઉદ્દઘાટન પ્રસંગે શિક્ષણ સાથે પર્યાવરણ જાળવણીનું મહાત્મ્ય સમજાવતા મુખ્યમંત્રીએ આ મુજબ કહ્યું હતું.
તેમણે જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન રાજ્ય સરકારના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં જઇ બાળકોને દાખલ કરાવે છે. આ અભિયાનના કારણે રાજ્યમાં શિક્ષણની ગુણવત્તામાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.

વડાપ્રધાનના માર્ગદર્શનમાં રાજ્યના છાત્રો માટે શરૂ કરવામાં આવેલી બે મહત્વપૂર્ણ યોજનાની માહિતી આપતા પટેલે કહ્યું કે, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના થકી છાત્ર – છાત્રાઓને આર્થિક સહાય આપી આગળ અભ્યાસ માટે પ્રેરવામાં આવે છે. આ યોજનાનો લાભ વાલીઓએ તેમના બાળકોને અપાવવો જોઇએ.
જેમને ગીતાજીનું જ્ઞાન લાદ્યે તેનો બેડો પાર થઇ જાય છે, જ્ઞાન જ શરૂઆત અને જ્ઞાન જ અંત છે. આપણામાં જેટલું જ્ઞાન વધારે એટલું જ આપણું જીવન સરળ થઇ જાય છે, એમ મુખ્યમંત્રીએ વસંત પંચમીના ઉપલક્ષ્યમાં કહ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આજે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની ચિંતા છે અને આ સમસ્યાનું સમાધાન વડાપ્રધાનશ્રીએ વિવિધ સંકલ્પો થકી આપ્યું છે. એક પેડ માં કે નામ અભિયાન વૃક્ષોના વાવેતર અને ઉછેર માટે છે. આપણે સૌએ જ્યાં જગ્યા મળે ત્યાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું જોઇએ.
બરોડા પબ્લીક સ્કુલના શુભારંભ પ્રસંગે ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાએ વસંતપંચમીની શૂભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આજના દિવસે જ્ઞાન અને વિદ્યાદેવીના પૂજનનું અનેરૂ મહત્વ છે. ૧૯૯૪માં ૯૪ વિદ્યાર્થીઓથી મહેતા ગ્રુપ ઓફ સ્કુલસની પ્રથમ શાળાની સ્થાપના કરી હતી ત્યારે પરમપૂજય ગોસ્વામી ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયશ્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આજે બરોડા પબ્લીક સ્કુલનો શુભારંભ પણ પરમપૂજય ગોસ્વામી ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો છે. આજે બરોડા પબ્લીક સ્કુલ ૬ઠ્ઠી અને સીબીએસઇની પ્રથમ શાળા છે.આજે મહેતા ગ્રુપ ઓફ સ્કુલસની અંદર ૧૪ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે વાલીઓના સાથ સહકાર અને વિશ્વાસ સાથે શિક્ષણના ભગીરથ કાર્યને આગળ વધારી રહ્યા છીએ.
વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારે જણાવ્યું કે, પવિત્ર પર્વ એવા વસંતપંચમીના દિવસે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલની નવનિર્મિત બરોડા પબ્લિક સ્કૂલ CBSCની બિલ્ડીંગ થકી અનેક બાળકોને જ્ઞાન આપીને ખરા અર્થમાં મા સરસ્વતીની આરાધના કરવામાં આવી છે. વધુમાં નવીનતમ શાળાનાં નિર્માણથી ભારતીય સંસ્કૃતિનું પણ વહન થશે તેમ જણાવ્યું હતું. આ સાથે શાળાના બાળકોને ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરા પર વિશેષ જ્ઞાન આપવામાં આવે તે માટે અપીલ કરી મહેતા ગ્રુપ ઑફ સ્કૂલને આશિર્વચન પાઠવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી, શ્રી વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારે તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે શાળાની તખતીનું અનાવરણ અને રીબીન કાપીને બરોડા પબ્લિક સ્કૂલ સીબીડીસીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આ પ્રસંગે સ્વાગત પ્રવચન કર્યું હતું

આ પ્રસંગે ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહીડા, ધારાસભ્ય ઝાલા, કેતનભાઇ ઇનામદાર, જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, વાઘોડિયા તાલુકા પ્રમુખ યોગેશભાઈ પટેલ, વડોદરા તાલુકા પ્રમુખ અંકિતા પરમાર, ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ સંદીપસિંઘ, જિલ્લા કલેકટર બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, વિવિધ સમિતિના ચેરમેન , મહેતા ગ્રુપ ઑફ સ્કૂલના ટ્રસ્ટીશ્રીઓ, અગ્રણીઓ પ્રદિપભાઇ જયસ્વાલ, શ્રી જયેશભાઇ જયસ્વાલ, પદાધિકારીઓ, જિલ્લા કક્ષાના અધિકારી તથા કર્મચારી ગણ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
૦૦૦૦૦૦

Most Popular

To Top