Vadodara

શાકભાજીના વધતા ભાવોએ ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવ્યું..

કાળઝાળ ગરમી ઉપરથી પડતા પર પાટું સમાન શાકભાજીના ઉંચા ભાવોથી રસોડાની રંગત ઉડી

અસહ્ય ગરમીની અસર શાકભાજી ની ખેતી પર વર્તાઇ હોવાથી શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો

એક તરફ મોંઘવારીનો માર વેઠી રહેલી પ્રજા પર પડતાં પર પાટું સમાન શાકભાજીના દિનપ્રતિદિન વધેલા ભાવોના કારણે ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાયું છે. મોંઘીદાટ શાકભાજીના કારણે ક્યાંક ને ક્યાંક રસોડાની રંગત ફિક્કી પડી ગઇ છે. આ વર્ષે ઉનાળાની ઋતુમાં પડેલી કાળઝાળ ગરમીની શરુઆતથી જ દિનપ્રતિદિન શાકભાજીના ભાવોમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય માણસ માટે બે ટંકનુ ભોજન પણ અસહ્ય બની ગયું છે. હાલ ચોમાસાની શરૂઆત પણ થવા જઇ રહી છે છતાં શાકભાજીના ભાવો આસમાને જોવા મળી રહ્યાં છે. એક તરફ લોકોની મર્યાદિત આવક બીજી તરફ હવે શાળાઓ પણ શરૂ થતાં લોકોએ શિક્ષણખર્ચ પાછળ ખર્ચા કરવાના આવ્યા છે બીજી તરફ શાકભાજી મોંઘી થઇ ગઇ છે ત્યારે આવી પરિસ્થિતિમાં માણસને બે છેડા ભેગાં કરવા પણ અસહ્ય થઇ ગયાં છે. આ વર્ષે ઉનાળામાં રેકોર્ડબ્રેક ગરમી પડી છે જેની અસર ખેતી પર પણ જોવા મળી રહી છે શાકભાજીના પાકો પર કાળઝાળ ગરમી તથા ખેડૂતોને ખેત પેદાશો માટે અનિવાર્ય સિંચાઇના પાણીની અછત પણ જવાબદાર ગણી શકાય. કેટલાક શાકભાજી અન્ય રાજ્યોમાંથી પણ શહેરમાં આવતા હોય છે પરંતુ કેટલાક રાજ્યોમાં પાણીની તંગી સાથે ગરમીનો પ્રકોપ થતાં શાકભાજીના પાકો ઘટતાં આવક ઘટી છે જેના કારણે શાકભાજીના ભાવો મોંઘા બનતા ગૃહિણીઓના બજેટ ખોરવાઇ ગયાં છે.

હાલમાં બટાકાના ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ડુંગળીના 30 થી 40 રૂપિયા થઈ ગયા છે. જ્યારે ટામેટાના ભાવ કિલો દીઠ 60 થી 80 રૂપિયા સુધી પહોંચી ગયા છે, તો આદુ 200 રૂપિયા પ્રતિ કિલો અને ગવાર 120 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. કોથમીરનો ભાવ પણ 140 રૂપિયાથી વધીને 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.
ગત અઠવાડિયે દેશના રાજ્યોમાં ટામેટા, રીંગણ, કેપ્સીકમ, પાલક, મેથી વગેરે શાકભાજીના ભાવ બમણા થઈ ગયા હતા. તે જ સમયે માંગમાં વધારો અને ડુંગળી અને લસણના ઓછા પુરવઠાને કારણે ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. વાસ્તવમાં બકરી ઈદ પહેલાં ડુંગળી અને લસણની માંગ વધી હતી. ત્યાર બાદ વેપારીઓ અને ખેડૂતોએ સ્ટોક બંધ કરવાનું શરૂ કરી દીધું છે. બાદમાં ડુંગળીના ભાવમાં લગભગ 20થી 25 રૂપિયા પ્રતિ કિલોનો વધારો નોંધાયો હતો. જ્યારે લસણ 200 રૂપિયા પ્રતિ કિલોથી 350 રૂપિયા પ્રતિ કિલો સુધી મોંઘુ થઈ ગયું છે.

અન્ય શાકભાજીના ભાવ કેટલા વધ્યા?

પરવળ: 80 રૂ.થી 100 (પ્રતિ કિ.ગ્રા.)

રીંગણ: 40 રૂ.થી 60 રૂ.

આદુ: 140 રૂ.થી 200 રૂ.

કોબી: 40 રૂ.થી 60 રૂ.

ગવાર: 80 રૂ.થી 120 રૂ.

ટીંડોડા: 80 રૂ.થી 100 રૂ.

ભીંડા: 60 રૂ.થી 80 રૂ.

ફૂલેવાર: 80 રૂ. થી 100 રૂ.

ગાજર-બીટ: 40 રૂ. થી 60 રૂ.

કાકડી: 60 રૂ. થી 80 રૂ.

લીલાં મરચાં: 100 રૂ. થી 120 રૂ.

લીલાં ધાણા: 120 રૂ. થી 140 રૂ


આ વર્ષે પડેલી અસહ્ય ગરમીને કારણે ઓછા ઉત્પાદનના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે.શાકભાજીની આવક ઘટી છે. નાસિકથી આયાત થતા ઉંચા ભાવને કારણે ડુંગળીના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
-દેવીશા અગ્રવાલ-શાકભાજીના વેપારી

એક તરફ મોંઘવારીનો માર બીજી તરફ શાળાઓ શરૂ થતાં તે ખર્ચાઓ ઉપરથી આ વર્ષે શાકભાજી મોંઘી છે તો સામાન્ય મર્યાદિત આવકમાં મકાન, સાધનો ના હપ્તા ભરે કે મોંઘા શાકભાજી ખરીદે ? શિક્ષણખર્ચ અને ઉપરથી શાકભાજી પણ મોંઘી થઈ છે ત્યારે લોકોને કેવી રીતે જીવવું તે પ્રશ્ન થઇ ગયો છે.બહાર હવે તો રેસ્ટોરન્ટ, હોટલમાં પણ ભાવ વધી ગયા છે
-શ્રધ્ધાબેન શર્મા,ગૃહિણી

જ્યારે ખેડૂતોનું કહેવું છે કે તેમને ઉત્પાદનનો યોગ્ય ભાવ મળી રહ્યો નથી, . આ ભાવ વધારા પાછળ પાકમાં ઘટાડો, પરિવહન ખર્ચમાં વધારો અને વધતી માંગ જેવા અનેક પરિબળો જવાબદાર છે. આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં મળે તો આગામી દિવસોમાં શાકભાજીના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે જેની અસર રસોડામાં વર્તાઇ શકે છે.

Most Popular

To Top