વડોદરાના મેયરે કમિશ્નર વિરુદ્ધ નિવેદન આપતા પહેલા પૂર્વ મેયરની સલાહ લીધી!
મેયર અને પૂર્વ મેયર વચ્ચે સમર્થનના ખેલથી શહેર ભાજપમાં જૂથવાદ તીવ્ર
વડોદરામાં પાલિકાના પદાધિકારીઓ વચ્ચે અંદરોઅંદર ચાલતા વિવાદ હવે શહેર ભાજપ માટે માથાનો દુખાવો બન્યો છે. મેયર પિન્કી સોનીએ જાહેરમાં કમિશ્નર પર આક્ષેપ કર્યા બાદ શહેર ભાજપે આ મુદ્દાને ગંભીરતાથી લીધો અને પાલિકાના તમામ પદાધિકારીઓને પાર્ટી કાર્યાલયમાં બોલાવી સમજણ આપી. જો કે, આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, મેયર પિન્કી સોનીએ કમિશ્નર વિરુદ્ધ જાહેરમાં આ નિવેદન આપતા પહેલા શહેરના એક પૂર્વ મેયર સાથે ચર્ચા કરી હતી અને તેમની સલાહ માંગી હતી, તે બાદ જ તેમણે આક્ષેપો જાહેરમાં કર્યા હતા. વધુમાં આ પૂર્વ મેયર પાલિકાના પાંચ પદાધિકારીઓ પૈકી એકના વિરોધી પણ રહ્યા છે.
મેયર પિન્કી સોનીએ કમિશ્નર સામે નિવેદન આપતા પહેલા પૂર્વ મેયરનો અભિપ્રાય લીધો હતો, જે હવે શહેર ભાજપ માટે માથાનો દુખાવો બની રહ્યો છે. મહત્વનું છે કે, જેમણે આ અભિપ્રાય આપ્યો હતો, તેઓને ભાજપે અગાઉ અનેક હોદ્દા આપ્યા છે અને અત્યારે પણ તેઓ સારો હોદ્દો ભોગવી રહ્યા છે. તેમ છતાં, તેમણે વર્તમાન મેયરને જાહેરમાં નિવેદન આપવા માટે પ્રેર્યા, જેના કારણે હવે પાર્ટીમાં જૂથવાદ વધુ ઉગ્ર બન્યો છે. શહેર ભાજપમાં જૂથવાદ લાંબા સમયથી ચાલે છે, પરંતુ હવે આ વિવાદ પછી વધુ તીવ્ર બની ગયો છે.
પાલિકાના પાંચ પદાધિકારીઓ પૈકી એક પદાધિકારીના પૂર્વ મેયર કટ્ટર વિરોધી રહ્યા છે. આ પદાધિકારી પણ હાલની સ્થિતિમાં પોતાના માન-સન્માનને લઈને અસંતોષ અનુભવી રહ્યા છે અને અલગ અલગ લોકો સામે પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે. ભાજપમાં આ વિવાદ માત્ર શરુઆત છે. જો શહેર ભાજપ આ મુદ્દાને નિયંત્રણમાં ન લઈ શકે, તો જૂથવાદ વધુ ઉગ્ર બનશે. આ વિવાદ ભવિષ્યમાં કોણે વધુ મજબૂત બનાવશે અને કોનું પત્તું કપાશે, તે જોવાનું રસપ્રદ રહેશે.
વડોદરા ભાજપમાં ચાલી રહેલા વિવાદથી કંટાળીને સંઘ દ્વારા સૂચિત પ્રમુખની વરણી કરી હતી. નવા શહેર પ્રમુખે અવાર નવાર ટકોરો કરી તેમ છતાં પદાધિકારીઓ અને કેટલાક સભ્યો હજુ પણ પ્રમુખની વાતને ગંભીરતાથી લેતા ન હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખાય છે પરંતુ વડોદરા શહેરના ભાજપના નેતાઓ પાર્ટીના નિયમોને અને નેતૃત્વ દ્વારા આપવામાં આવતા આદેશોને ઘોળીને પી જાય છે.
મેયર આવતીકાલે કલાલી ખાતે વિશ્વામિત્રી રીવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરશે
તાજેતરના દિવસોમાં મેયર દ્વારા કરાયેલા આક્ષેપો વચ્ચે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી રીવાઇવલ પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલી કામગીરીનું કાલે મેયર અને પાલિકાના પદાધિકારીઓ નિરીક્ષણ કરશે. કલાલી સ્મશાન નજીક વિશ્વામિત્રી નદી કિનારે ચાલી રહેલા કામનું અવલોકન કરવામાં આવશે, જેમાં સ્થાનિક સભાસદો પણ હાજર રહેશે.
