Vadodara

શહેર પાલિકાની 76 સીટ માટે ભાજપના હજારો કાર્યકર્તા મેદાને

બાયોડેટાના પહાડ વચ્ચે ભાજપની સેન્સ પ્રક્રિયા,ક્યાંક હિન્દુત્વ કાર્ડ તો ક્યાંક જીહજૂરીનો ખેલ, હવે પસંદગીનો કળશ કોના પર?

સેન્સ પ્રક્રિયાના અંતે મામલો પ્રદેશ દરબારમાં; ભાયલીમાં ધારાસભ્ય સામે રોષ અને ‘જોવા જેવી થશે’ની ચીમકીથી રાજકારણ ગરમાયું.

વડોદરા મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા હાથ ધરાયેલી ‘સેન્સ પ્રક્રિયા’ના બીજા દિવસે રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો હતો. શહેરના ચારેય ઝોનમાં નિર્ધારિત કરવામાં આવેલા સ્થળોએ વહેલી સવારથી જ કાર્યકરોનો જાણે રાફડો ફાટ્યો હતો. ભાજપના નામે ચૂંટણી વૈતરણી તરી જવાની લ્હાયમાં વોર્ડ દીઠ 100થી વધુ કાર્યકરો ઉમટી પડતા વ્યવસ્થા જાળવવા માટે સંગઠનને ભારે કવાયત કરવી પડી હતી. બે દિવસની આ સઘન પ્રક્રિયા મોડી સાંજે પૂર્ણ થઈ છે અને હવે ઉમેદવારોના ભાવિનો ફેંસલો પ્રદેશ સમિતિના દરબારમાં થશે.
પશ્ચિમ ઝોનમાં ટિકિટ મેળવવા માટે સૌથી વધુ ખેંચતાણ જોવા મળી રહી છે. ખાસ કરીને વોર્ડ નંબર 9માં રેકોર્ડબ્રેક 95 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવતા નિરીક્ષકો પણ વિચારતા થઈ ગયા હતા. ‘નમો કમલમ’ થી લઈને વિવિધ પાર્ટી પ્લોટ્સ પર ઉમેદવારોની લાંબી કતારો જોવા મળી હતી. આ વખતે ભાજપ હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને પાયાની સક્ષમતા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો હોવાથી અનેક શિક્ષિત યુવાનો પણ મેદાનમાં ઉતર્યા છે.
ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલી પ્રક્રિયામાં જિજ્ઞેશ કપાસની ખુલ્લી ચીમકી અને ‘જોવા જેવી થશે’ ના નારાઓએ સ્થાનિક રાજકારણમાં ભડકો કર્યો છે. ભાયલી વિસ્તારમાં ધારાસભ્ય સામે બગાવતના સૂર ઉઠતા સંગઠન સ્તરે ચિંતા વ્યાપી છે. બીજી તરફ, વોર્ડ-5 માં એક ધારાસભ્ય દ્વારા ખેલવામાં આવેલા ‘આક્રમક હિન્દુત્વ કાર્ડ’ ને કારણે નવા સમીકરણો રચાયા છે.
આ સેન્સ પ્રક્રિયા દરમિયાન એક ચોંકાવનારી વાત એ વહેતી થઈ હતી કે, નિરીક્ષકોના આગમન પૂર્વે જ ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખો પર કેટલાક ચોક્કસ નામો જ રજૂ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ પાછળનું કારણ શું હોઈ શકે તે બાબતે કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો છે. કેટલાય ‘લાગવગિયા’ અને ‘જીહજૂરિયા’ કાર્યકરો જનતાના કામોને બદલે પોતાના ‘ગોડફાધર’ના ભરોસે ટિકિટ મેળવવાની આશાએ બેઠા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
હવે દડો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના ફાળે
વડોદરા ભાજપમાં જે રીતે દાવેદારોની ફોજ ઉમટી પડી છે, તેને જોતા ઉમેદવારોની પસંદગી કરવી હાઈકમાન્ડ માટે લોઢાના ચણા ચાવવા જેવી સાબિત થશે. વડોદરાની સેન્સ પ્રક્રિયાનો અહેવાલ હવે પ્રદેશ સમિતિને સોંપવામાં આવશે, જ્યાં આખરી ‘મુરતિયાઓ’ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે.

દિગ્ગજોની હાજરી અને સંગઠનનું સ્કેનિંગ
*​વોર્ડ-19: ધારાસભ્ય યોગેશ પટેલે હાજર રહીને સંગઠન શક્તિનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યું હતું.
*​વોર્ડ-13 અને 18: શૈલેન્દ્રસિંહ ઠાકોરે મજબૂત દાવેદારી નોંધાવી પોતાની તાકાત બતાવી હતી.
*​દિગ્ગજ ચેહરા: લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાણા અને પૂર્વ કાઉન્સિલર મનીષ પગારે પણ ટિકિટ માટે ઝંપલાવ્યું છે.
*​નિરીક્ષણ: છાણી ખાતે પૂર્ણેશ મોદીની હાજરીમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

આંકડાકીય જંગ: કયા વોર્ડમાં કેટલી પડાપડી?

​પશ્ચિમ વડોદરામાં ટિકિટની હોડ સૌથી વધુ જોવા મળી રહી છે. આંકડાઓ પર નજર કરીએ તો:
*​વોર્ડ નંબર 9: 95 દાવેદારો
*​વોર્ડ નંબર 8: 86 કાર્યકરોએ માંગી ટિકિટ.
*​વોર્ડ નંબર 10: 81 દાવેદારો મેદાનમાં.
*​વોર્ડ નંબર 6: કુલ 95 ઉમેદવારો (79 પુરુષ અને 16 મહિલા).
*​વોર્ડ નંબર 7: મા 69 મુરતિયાઓ વચ્ચે જંગ.

મંત્રીની અચાનક વિદાય: ચર્ચાનું કેન્દ્ર

​સત્યમ પાર્ટી પ્લોટ ખાતે જ્યારે વોર્ડ 4, 5 અને 6 ની સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે કેબિનેટ મંત્રી અને નિરીક્ષક નરેશ પટેલ પ્રક્રિયા અધવચ્ચે છોડીને રવાના થતા કાર્યકરોમાં કુતૂહલ સર્જાયું હતું. જોકે, પાછળથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે નવસારી ખાતે તેમના નિવાસે માતાજીનો પ્રસંગ હોવાથી તેઓ વહેલા નીકળ્યા હતા. તેમની ગેરહાજરીમાં બાકીના નિરીક્ષકોએ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી હતી.

શિસ્ત અને રસાકસી વચ્ચે ‘નમો કમલમ’

​વોર્ડ-19 માં 80 થી વધુ દાવેદારો હોવા છતાં તરસાલી ખાતે પ્રક્રિયા અત્યંત શાંતિપૂર્ણ રહી હતી, જે બદલ નિરીક્ષકોએ કાર્યકરોની શિસ્તને બિરદાવી હતી. બીજી તરફ, નવા ચહેરાઓને તક મળવાની અટકળોને કારણે જૂના જોગીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. વોર્ડ-7 માં મુકાબલો માત્ર વિરોધ પક્ષ સામે નથી, પરંતુ પક્ષની અંદર જ પોતાનું વર્ચસ્વ સાબિત કરવાનો મજબૂત જંગ ખેલાઈ રહ્યો છે.

સેન્સ પ્રક્રિયામાં ગરમાવો: ભાયલીનો હોબાળો અને ‘કપાસ’નો આક્રોશ

​વડોદરા ભાજપની સેન્સ પ્રક્રિયામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વાસણા રોડ સ્થિત ગોકુળ પાર્ટી પ્લોટમાં જોરદાર હંગામો જોવા મળ્યો હતો. ભાયલીના અગ્રણી જિજ્ઞેશ પટેલ (ઉર્ફે કપાસ) એ મેદાનમાં ઉતરી ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) સામે આકરા પ્રહારો કરતા રાજકીય ગરમાવો વધી ગયો છે. કાર્યકરોની હાજરીમાં જિજ્ઞેશ પટેલે ખુલ્લી ચીમકી ઉચ્ચારી હતી કે, જો ડિમ્પલ પટેલને ટિકિટ આપવામાં નહીં આવે તો આગામી સમયમાં પક્ષ માટે ‘જોવા જેવી થશે’. ધારાસભ્ય સામેના આ પ્રચંડ આક્રોશ અને આંતરિક જૂથવાદને પગલે નિરીક્ષકો પણ ચોંકી ઉઠ્યા હતા. ટિકિટની ખેંચતાણમાં ભાયલીના આ વિવાદે હવે હાઇકમાન્ડ માટે નવી મૂંઝવણ ઉભી કરી છે.

પૂર્વ મેયર પિન્કીબેન સોની પર નિશાન: “અનુભવી હોત તો તકલીફ ઓછી પડત”

​વડોદરા ભાજપની સેન્સ પ્રક્રિયામાં આંતરિક ખેંચતાણ હવે સપાટી પર આવી છે. પૂર્વ કોર્પોરેટર રાખીબેન શાહે પૂર્વ મેયર પિન્કીબેન સોનીના કાર્યકાળ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, પિન્કીબેન પ્રથમ વખત કોર્પોરેટર બન્યા અને સીધા મેયર પદ પર બેસી ગયા, જેના કારણે તેઓ વહીવટી બાબતોને યોગ્ય રીતે ‘ટેકલ’ કરી શક્યા નહીં. યોગ્ય ગાઈડન્સના અભાવે જ તેમનો કાર્યકાળ વિવાદિત રહ્યો હોવાનો દાવો રાખીબેને કર્યો હતો. બીજી તરફ, જો પક્ષ ‘નો-રિપીટ’ થિયરી અપનાવે તો પોતાના જ પતિ માટે ટિકિટની દાવેદારી નોંધાવતા તેમણે ઉમેર્યું કે, “ટિકિટ ઘરમાં જ રહે તો કોઈ ફરક પડતો નથી.” પૂર્વ સાથીના આ નિવેદને રાજકીય આલમમાં નવી ચર્ચા છેડી દીધી છે.

Most Popular

To Top