Vadodara

શહેરી ગરીબોની લારીઓ હટાવાઈ, પણ યુસુફ પઠાણના દબાણ પર 12 વર્ષથી શાંતિ કેમ?

વિશ્વામિત્રી બચાવો સમિતિનો મ્યુ. કમિશ્નરને પત્ર

ટી.એમ.સી. સાંસદના કરોડોના ગેરકાયદેસર દબાણ પર પગલા લેવા માંગ

છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે, જેમાં મુખ્યત્વે ફૂટપાથ પર બેઠેલા લારી-ગલ્લાઓ અને ઝૂંપડાઓ તોડવાની કાર્યવાહી થઈ છે. આ કાર્યવાહી ઘાતકી રીતે સામાન્ય નાગરિકો અને ગરીબો પર જ કેન્દ્રિત છે. જો તેમ છે, તો પછી ટી.એમ.સી.ના સાંસદ યુસુફ પઠાણ દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણ સામે પગલા કેમ લેવામાં આવતા નથી? વિશ્વામિત્રી બચાવો સમિતિના દાવા મુજબ, યુસુફ પઠાણ છેલ્લા 12 વર્ષથી તાંદલજા વિસ્તારમાં રૂ. 8-10 કરોડની 10,500 ચોરસ ફૂટ પાલિકા માલિકીની જમીન પર દબાણ કરી બેઠેલા છે. તાજેતરમાં જ્યારે તેઓ આ દબાણ કાયદેસર ઠરાવવાનો પ્રયાસ કરતા હાઈકોર્ટ ગયા, ત્યારે હાઈકોર્ટે પણ તેમનાથી માલિકીની પુરાવાઓ માંગતી ટિપ્પણી કરી હતી. વિચિત્ર વાત એ છે કે, જ્યારે ગરીબો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવા આવે ત્યારે તરત જ કાર્યવાહી થાય છે, પરંતુ એક પ્રભાવી વ્યક્તિની સામે કાર્યવાહી કેમ નથી થતી?

વડોદરા કોર્પોરેશન ફૂટપાથ પર માત્ર 5×3 ફૂટની લારી માટે મહિને રૂ. 2500 વસૂલે છે. જો શહેરની અન્ય જગ્યાઓ પર કોઇએ પાલિકા જમીનનો ઉપયોગ કરવો હોય, તો નિયમ મુજબ દરરોજ પ્રતિ ચોરસ મીટર રૂ. 40 ચાર્જ લેવામાં આવે છે. ત્યારે પ્રશ્ન ઉદ્ભવે છે કે, યુસુફ પઠાણ દ્વારા છેલ્લા 12 વર્ષથી 10,500 ચોરસ ફૂટ જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યા પછી એ જમીનની રકમ કઈ રીતે ન વસૂલી? અને યુસુફ પઠાણ સામે એક નોટિસ પણ કેમ આપવામાં આવી નથી? વિશ્વામિત્રી બચાવો સમિતિ મુજબ, ભારતનું બંધારણ આર્ટિકલ 14-19 હેઠળ દરેક નાગરિકને સમાનતા અને આર્ટિકલ 21 હેઠળ આશ્રય મેળવવાનો અધિકાર આપે છે. પરંતુ કોર્ટના આદેશ છતાં, પાલિકા દ્વારા એક સમુહ માટે અલગ નિયમ અને પ્રભાવી માટે અલગ નિયમ લાગુ પાડવામાં આવી રહ્યો છે.

ગત વર્ષે એક પૂર્વ કોર્પોરેટર દ્વારા યુસુફ પઠાણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવે એવી માંગ કરાઈ હતી. વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા વડોદરા કોર્પોરેશનને તાત્કાલિક પગલા લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જે રીતે શહેરમાં ગરીબોની લારીઓ-ઝૂંપડીઓ તોડવાની કાર્યવાહી થઈ રહી છે, તેવી જ રીતે યુસુફ પઠાણ દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ સામે પણ તાકીદે પગલાં ભરવા જોઈએ.

Most Popular

To Top