ઉતરાયણ અને બીજા દિવસે વાસી ઉતરાયણ પર્વે પવનની ગતિ સારી રહેતાં પતંગરસિયાઓ આનંદિત
ઉતરાયણ પર્વે 20લોકો પતંગના દોરાથી ઇજાગ્રસ્ત,10લોકો ઉચેથી નીચે પટકાયા તથા 4લોકોના મોત
(પ્રતિનિધિ) વડોદરા તા. 15
શહેરમાં મકરસંક્રાંતિ (ઉતરાયણ) પર્વની શહેરીજનોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ઉતરાયણ પર્વને માણવાનો ઇંતજાર શહેરીજનોને આખા વર્ષ દરમિયાન રહેતો હોય છે આ વખતે શનિવાર થી મંગળવાર સુધી શાળાઓ તથા કેટલીક અર્ધસરકારી અને ખાનગી સંસ્થાઓ,ઓફિસો અને કચેરીઓમાં રજા જાહેર કરાતાં મિની વેકેશન જેવો માહોલ સર્જાયો હતો જેના કારણે મકરસંક્રાંતિ પર્વ અગાઉ શનિવાર અને રવિવારે શહેરીજનોની પતંગ, દોરી, ચશ્મા ટોપી સહિતની ખરીદી માટે શહેરના પતંગ બજારોમાં ભારે ભીડ ઉમટી હતી. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પતંગના ભાવોમાં પચ્ચીસ ટકાનો તેમજ દોરીના ભાવોમાં સાત ટકાનો ભાવવધારો જોવા મળ્યો હતો તેમ છતાં શહેરીજનોએ ભાવવધારાની પરવાહ કર્યા વિના પતંગોત્સવ નો આનંદ માણ્યો હતો. આ વર્ષે ઉતરાયણ પર્વના ત્રણ દિવસ અગાઉ જ ગુજરાત હાઇકોર્ટે દ્વારા કાચથી માંજો તૈયાર ન કરવાનું જાહેરનામું બહાર પાડતાં કેટલાક પતંગરસિયાઓ મૂંઝાયા હતા . ચાઇનીઝ દોરી તેમજ કાચથી તૈયાર કરાયેલા માંજા પર પ્રતિબંધની અસર જોવા મળી હતી તો બીજી તરફ શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા પતંગ બજારમાં ઉતરાયણની આગલી રાત્રે હરાજીમાં લોકોની પતંગ દોરી સહિતના વસ્તુઓને ખરીદવાની ભીડ જોવા મળી હતી.
વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં ઉતરાયણ પર્વે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને તેના માટે એસ.આર.પી ની ત્રણ કુમુક તથા પાણીગેટ,સિટી પોલીસ, નવાપુરા પોલીસ તથા વાડી પોલીસ દ્વારા ચૂસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બે દિવસ પવનની ગતિ પણ 10 થી 12 પ્રતિ કિલોમીટર ની ઝડપે હોવાથી પતંગરશિયાઓને મોજ પડી ગઇ હતી.લોકો સવારથી જ લાઉડસ્પીકર, મ્યુઝિક સિસ્ટમ સાથે આગાશી, મેદાનોમાં પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો સાથે સાથે રાત્રે દિવાળીની માફક ફટાકડા ફોડી ડાન્સ સાથે ઉજવણી કરી હતી.
મકરસંક્રાંતિ જેને ઉતરાયણ તરીકે મનાવવામાં આવે છે તેમાં શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સ્નાન અને દાન સાથે જ સૂર્યની ઉપાસનાનું પર્વ હોય
ઉતરાયણની સવારે કેટલાક લોકોએ મહિસાગર , ચાણોદ સ્નાન કર્યું હતું તો ઘણાં લોકોએ ગૌમાતાને બાજરી ગોળની વાનગી ‘ઘૂઘરી’ તથા ઘાસ ખવડાવી ગૌમાતાની પૂજા કરી હતી બીજી તરફ લોકોએ મંદિરમાં બ્રાહ્મણો,પૂજારીઓને તથા મંદિર બહાર ભિક્ષુકો,જરુરિયાતમંદ લોકોને તલ ગોળ તથા સિંગ ગોળમાંથી બનાવેલી ચિક્કી, બોર, શેરડી, ખિચડી સહિતનું દાન કર્યું હતું. આમ શહેરીજનોએ ઉત્સાહભેર ઉતરાયણ તથા બીજા દિવસે વાસી ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી.