વડોદરામાં રિચાર્જ વેલ માટે યોગ્ય સ્થળોની પસંદગી NIUA કરશે
SAM 2.0 પ્રોજેક્ટ માટે દેશના 75 શહેરોમાં વડોદરા પણ સામેલ
વડોદરા મહાનગરપાલિકા અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ અર્બન અફેયર્સ (NIUA) દ્વારા શેલો એક્વિફર મેનેજમેન્ટ (SAM 2.0) કાર્યક્રમ હેઠળ એક વ્યૂહાત્મક બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરમાં ભૂગર્ભ જળનું પુનર્ભરણ અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી. આ કાર્યક્રમ માટે દેશભરમાંથી 75 શહેરોની પસંદગી થઈ છે જેમાં વડોદરા પણ સામેલ છે. પ્રાથમિક તબક્કામાં કુલ 50 લાખ રૂપિયાના ખર્ચથી 10 ડીપ રિચાર્જ વેલ બનાવવામાં આવશે. એક વેલ પર અંદાજે 5 લાખ રૂપિયાનો ખર્ચ થશે. આ કામગીરી સરકારની અમૃત યોજના હેઠળ કરવામાં આવશે. પ્રાથમિક તબક્કામાં 10 સ્થળોએ સફળતા મળ્યા બાદ પાલિકા સ્વખર્ચે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવા રિચાર્જ વેલ બનાવશે. આ માટે યોગ્ય સ્થાન શોધવાની જવાબદારી NIUA નિષ્ણાતો સંભાળશે.
ચર્ચા દરમિયાન મુખ્ય મુદ્દાઓ તરીકે ડિઝાઇન કરેલા રિચાર્જ વેલ અને વરસાદી પાણી સંચય પદ્ધતિઓથી શેલો એક્વિફર મજબૂત બનાવવું, GIS આધારિત મેપિંગ અને મોનિટરિંગ સિસ્ટમથી ભૂગર્ભ જળની સ્થિતિ જાણી શકાય તેવું કરવું તથા પાણી ભરાવાની સમસ્યાગ્રસ્ત વિસ્તારો ઓળખવા જેવા મુદ્દા ચર્ચાયા. સાથે સાથે નાગરિકોને પાણી સંરક્ષણ અને રિચાર્જ માળખાં જાળવણી માટે પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લેવાયો. બેઠકના અંતે પાલિકા અને NIUA દ્વારા નક્કી કરાયેલા વિસ્તારોમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવાની સંમતિ થઈ છે. ત્યારબાદ તેને શહેરવ્યાપી સ્તરે વિસ્તૃત કરાશે.