આ સપ્તાહમાં શનિવાર સૌથી હોટેસ્ટ દિવસ રહ્યો
શનિવારે શહેરનું મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી સે., લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી સે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 18% જેટલું નોંધાયું

(પ્રતિનિધિ ) વડોદરા તા. 05
શહેરમાં આ સપ્તાહ દરમિયાન શનિવાર સૌથી હોટેસ્ટ દિવસ રહ્યો હતો.શનિવારે શહેરનું મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા.

સમગ્ર દેશ તથા રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આ સપ્તાહ દરમિયાન શનિવાર સૌથી હોટેસ્ટ દિવસ રહ્યો હતો જેમાં શહેરમાં સવારથી જ લોકો ગરમી અને ઉચાટ અનુભવી રહ્યા હતા. બપોરે કાળઝાળ ગરમી અને આકરો તાપ વર્તાતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. શનિવારે શહેરમાં મહત્તમ તાપમાન 40ડિગ્રી ને આંબી જતાં લોકોએ કામ વિના બહાર નિકળવાનું ટાળ્યું હતું બીજી તરફ મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમા 1500 ઉપરાંત દર્દીઓ ઓપીડીમા નોંધાયા હતા જેમાં કેટલાક ચક્કર આવવા, ઉલટી થવાના કેસો પણ નોંધાયા હતા જો કે લૂ લાગવાના કે હિટવેવ ના દર્દીઓ માટે અલાયદા વોર્ડમાં કોઇ દર્દી દાખલ કરવામાં આવ્યા નથી.

શનિવારે શહેરમાં મહત્તમ તાપમાન 41.2ડિગ્રી સેલ્સિયસ જેટલું લઘુત્તમ તાપમાન 23.4ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 18% જેટલું રહેવા પામ્યું હતું. બપોરે લોકોએ કામ વિના બહાર નિકળવાનું ટાળ્યું હતું જ્યારે બીજી તરફ શાળાઓમાં હાલ પરીક્ષા ચાલતી હોય શનિવારે મોટા ભાગની શાળાઓમાં સવાર પાળીમાં વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.શનિવારે દુર્ગાષ્ટમી નિમિત્તે ઘણા માંઇ ભક્તો આકરી ગરમી વચ્ચે પણ માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.શહેરમા રવિવારે રામનવમી નિમિત્તે પોલીસના જવાનોએ પણ આકરી ગરમીમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોતાની ફરજ બજાવી રહ્યાં છે જ્યારે ટ્રાફિક નિયમન માટે પણ ટ્રાફિક પોલીસના જવાનો, ટીઆરબીના જવાનો ખડેપગે ફરજ બજાવતા નજરે પડ્યા હતા.
