ઇજાગ્રસ્ત યુવકને સારવાર બાદ એસ.એસ.જી.હોસ્પિટલમાથી રજા અપાઇ
(પ્રતિનિધિ) વડોદરા તા. 17
શહેરના તુલસીવાડી ખાતે રહેતા યુવકને જેલરોડ નજીક આવેલા નર્મદા ભુવન પાસેના મુખ્ય રોડ પર સ્કૂટર પર જતાં સમયે પતંગનો દોરો ગળામાં આવી જતાં ઇજાગ્રસ્ત થયો હતો જેથી તેને એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે સારવાર બાદ રજા અપાઇ હતી.
શહેરમાં ગત તા. 14 જાન્યુઆરી ઉતરાયણ પર્વથી બીજા દિવસે એટલે કે તા. 15મી જાન્યુઆરી ને વાસી ઉતરાયણ દરમિયાન ચાલીસ થી વધુ લોકો પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયા જ્યારે ચાર થી વધુના મોત નિપજ્યાં હતાં જ્યારે અનેક મૂંગા પક્ષીઓ પણ ઘવાયા હતા જ્યારે કેટલાક પક્ષીઓ મોતને ભેટ્યા હતા ઉતરાયણ બાદ પણ શહેરમાં ઠેરઠેર રોડ રસ્તાઓ,શેરીઓ અને પોળો તથા સોસાયટીઓમા પતંગના દોરાઓ જોવા મળી રહ્યાં છે જેના કારણે લોકોને જોખમ ઉભું થયું છે ત્યારે ગત તા. 16મી જાન્યુઆરીના રોજ સાંજે સાડા છ થી પોણા સાત વાગ્યાના અરસામાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા તુલસીવાડી ખાતેના રામદેવ પીરની ચાલમાં પરિવાર સાથે રહેતા દિનેશભાઇ ધનજીભાઇ પરમાર નામનો 27 વર્ષીય યુવક પોતાના એક્ટિવા સ્કૂટર પર શહેરના જેલરોડ ખાતે આવેલા નર્મદા ભુવન પાસેના રોડથી પસાર થઈ રહ્યા હતાં તે દરમિયાન અચાનક પતંગનો દોરો આવી જતાં દીનેશભાઈ ને ગળાના ભાગે ઇજા પહોંચી હતી જેથી આસપાસના લોકોએ તેને એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યાં સારવાર બાદ તેને રજા અપાઇ હોવાનું જાણવા મળ્યું છે.