અકોટા – મુંજમહુડા મુખ્ય માર્ગ પર લાગી ભૂવાઓની લાંબી કતાર,
ચોમાસાની ઋતુ શરૂ થયા બાદ વડોદરા શહેરના નાગરિકોનું શહેરના રાજમાર્ગો પર નીકળવું ઘણું મુશ્કેલ થઈ ગયું છે. તેની પાછળનું મુખ્ય કારણ છે કે શહેરના દરેક વિસ્તારમાં દરેક માર્ગ પર ભૂવાઓ નું સામ્રાજ્ય થઈ ગયેલ છે. વડોદરા મહાનગરપાલિકા ના ભ્રષ્ટ અધિકારીઓના પાપે વડોદરા શહેરને ભૂવા નગરીનું ઉપનામ મળ્યું છે. છેલ્લા બે મહિનામાં રોજેરોજ શહેરના રાજમાર્ગો પર ભૂવાઓ પડતા નજરે પડે છે. પરંતુ આજરોજ તો વડોદરા શહેરમાં ભૂવાઓ એ રેકોર્ડ બનાવ્યો છે.
એક જ દિવસમાં શહેરમાં કુલ 10 ભૂવાઓ પડ્યા. અકોટા થી મુંજ મહુડા ના મુખ્ય માર્ગ પર ફક્ત એક કિલોમીટરની હદમાં જ પાંચ વિશાળકાય ભૂવાઓ પ્રગટ થયા. અકોટા ગામ તરફથી મુંજ મહુડા તરફ જતા ગેટવે હોટેલ નજીક બે ભુવા જોવા મળ્યા હતા. અને તેની આગળ વધીએ તો 100 મીટરની અંદર જ બીજા ત્રણ ભુવાઓ ને જોઈને લોકો અચંબિત થઈ ગયા હતા. જેમાં મુંજમહુડાના છત્રપતિ શિવાજી મહારાજ સર્કલ થી પહેલા જ એક મહાકાય ભૂવો જોવા મળ્યો હતો જેના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
આ પાંચ ભૂવાઓની ગણતરી પૂરી જ થઈ હતી ત્યાં તો શહેરના વુડા સર્કલ પાસે જે વર્ષ 2024 નો સૌથી મોટો ભુવો પડ્યો હતો તે જ સ્થળે ફરીથી એક મોટો ભુવો પડ્યો અને બાજુમાં જ 20 ફૂટ નજીક હજી એક ભૂવો અને બીજી બાજુ રાત્રી બજાર પાસેના મુખ્ય રોડ પર આઠમો ભૂવો લોકોની નજરે પડ્યો હતો. હજી તો હજુ ગણતરી પૂરી નથી થઈ ત્યાં જ નિઝામપુરા સમા વિસ્તારમાં શુક્લાનગર પાસે એટલો ઊંડો ભૂવો પડ્યો કે કોઈપણ વ્યક્તિનો જીવ જતા વાર ના લાગે. અને પછી વારો હતો વાસણા રોડનો કે જ્યાં ભૂવા પડતાં જ 10 ભૂવા એક જ દિવસમાં પડવાનો રેકોર્ડ બની ગયો હતો. છેલ્લા બે મહિનામાં શહેરના વિવિધ વિસ્તારોમાં પડેલ ભૂવાઓની ગણતરી કરવામાં આવે તો ચોક્કસથી ભૂવાઓએ સદી પૂરી કરી દીધેલ છે તેવું પણ કહી શકાય.
વડોદરા શહેરના નાગરિકો પેટે પાટા બાંધીને સમયસર પોતાનો વેરો વડોદરા મહાનગરપાલિકા ભરપાઈ કરે છે. અને તેઓ એક જ આશા તંત્ર પાસે રાખે છે કે તેમના દ્વારા ભરપાઈ કરવામાં આવેલ વેરાથી તેમને પ્રાથમિક સુવિધાઓ મળી રહેશે અને વડોદરાનો વિકાસ થશે. પરંતુ મહાનગરપાલિકા ના પ્રશ્ન અધિકારીઓ અને સત્તાના નશામાં ચોર સત્તાધીશોના પાપે વડોદરા શહેરના નાગરિકો દ્વારા ભરપાઈ કરવામાં આવેલ વેરો ફક્ત ભૂવાઓ નું સમારકામ કરવામાં વેડફાતો હોય તેવું જણાઈ આવે છે.
વડોદરા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને વોર્ડ નંબર 1 નાં કાઉન્સિલર જહા દેસાઈએ શહેરના શાસકો પર અને મહાનગરપાલિકાના અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે વડોદરામાં ભારતીય જનતા પાર્ટી નું છેલ્લા 27 વર્ષથી શાસન છે અને તેમની બેદરકારીના લીધે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ બેફામ થયા છે. રોડ બનાવ્યા પછી પાણીની લાઈન કે પછી ગટરની લાઈનનું કામ કરે છે અને આ ભ્રસ્ટ તંત્રના લીધે જ વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવાઓ જોવા મળી રહ્યા છે. આ પ્રકારના કામ કરતાં કોન્ટ્રાક્ટરોને વડોદરા મહાનગરપાલિકા દ્વારા બ્લેકલિસ્ટ કરવા જોઈએ.
100 મીટર ના અંતરે ત્રણ મહાકાય ભુવાઓને લીધે અકોટા મુંજમહુડા રોડ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ભુવાઓ પડવાના કારણે એક તરફનો રોડ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને ભૂવાઓનો વહેલી તકે નિકાલ ન આવતા તેના લીધે ત્યાંથી અવરજવર કરતા દરેક વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાયા હતા.