Vadodara

શહેરમાં રવિવારે દિવસ દરમિયાન ઉકળાટભર્યા વાતાવરણ બાદ સાંજે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં

આગામી ત્રણ દિવસ થંડરસ્ટ્રોમ સાથે છ દિવસ વરસાદની આગાહી

રવિવારે શહેરના મહત્તમ તાપમાનમાં 2.3ડિગ્રી સે.ના વધારા સાથે મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

( પ્રતિનિધિ) વડોદરા તા.14

શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘ વિરામ બાદ રવિવારે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે રવિવારે દિવસભરના ઉકળાટભર્યા વાતાવરણ બાદ સાંજે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડયા હતા સાથે જ શહેરના વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો.

સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો જેના કારણે ગરમીના પ્રમાણમાં દિનપ્રતિદિન વધારો જોવા મળ્યો હતો. વાતાવરણમાં અચાનક બદલાવ ને કારણે લોકો બેવડી ત્રૃતુનો અનુભવ કરી રહ્યા હતા. બીજી તરફ રાજ્યમાં ફરી એકવાર બે વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે અને બંગાળની ખાડીમાં પણ એક નવી સિસ્ટમ સક્રિય બની છે જેના કારણે આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આગામી ત્રણ દિવસ થંડરસ્ટ્રોમ ની શક્યતા છે સાથે જ પવનની ગતિ પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટર સુધી રહેવા સંભવ છે ત્યારે રવિવારે શહેરમાં ઉનાળા જેવું વાતાવરણ દિવસ દરમિયાન જોવા મળ્યું હતું જેમાં તડકા સાથે અસહ્ય ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. શહેરમાં રવિવારે મહત્તમ તાપમાનમાં 2.3 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળ્યો હતો જેના કારણે મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું સાથે જ લઘુત્તમ તાપમાનમાં પણ 1.2 ડિગ્રી સેલ્સિયસ નો વધારો જોવા મળ્યો હતો જેના કારણે લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 59% જેટલું રહેતાં બફારો અનુભવાયો હતો . શહેરમાં બપોર બાદ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો અને વાદળો ઘેરાયા હતા ત્યારબાદ સાંજે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડયા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા માંજલપુર,વાઘોડિયારોડ, સોમા તળાવ, વારસિયા રિંગ રોડ, નેશનલ હાઇવે નંબર 48 આજવા ચોકડી થી કપૂરાઇ ચોકડી વિસ્તારમાં તરસાલી ખાતે વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા જ્યારે કારેલીબાગ, ફતેગંજ જેવા કેટલાક વિસ્તારોમાં બિલકુલ વરસાદ પડ્યો ન હતો. વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ ઉઘાડ નીકળ્યો હતો સાથે જ ઉકળાટભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું.

શહેરના જળાશયોની જળસપાટી સાંજે 7 વાગ્યા સુધીમાં (ફૂટમાં)

આજવા સરોવર 212.90 ફૂટ
પ્રતાપપુરા સરોવર 228.92 ફૂટ

વિશ્વામિત્રી નદીની વિવિધ સ્થળોની જળસપાટી સાંજે 7 વાગ્યા સુધીમાં (ફૂટમાં)

અકોટા બ્રિજ 8.03 ફૂટ
બહુચરાજી બ્રિજ 0.83 ફૂટ
કાલાઘોડા બ્રિજ 5.64 ફૂટ
મંગલ પાંડે બ્રિજ 5.43 ફૂટ
મુજમહુડા બ્રિજ 5.67 ફૂટ
સમા -હરણી બ્રિજ 5.19 ફૂટ
વડસર બ્રિજ 3.10 ફૂટ

Most Popular

To Top