શહેરમાં ગોરવા, રાવપુરા, સયાજીગંજ, કારેલીબાગ છાણી, હરણી વિસ્તારોમાં વરસાદ જ્યારે વાઘોડિયારોડ વિસ્તાર કોરો
બિહાર અને બંગાળ તરફ થતા લો પ્રેશર થી મધ્યપ્રદેશ અને ગુજરાતમાં 27 ઓગસ્ટ સુધી વરસાદ પડશે
શહેરમાં સતત બીજા દિવસે હળવા વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લેતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું હતું જેના કારણે શહેરીજનો અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહ્યાં હતાં ત્યારે બે દિવસથી શહેરમાં હળવી ધારે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ગતરોજ મંગળવારથી બુધવારે સાંજ સુધીમાં ચોવીસ કલાકમાં શહેરમાં 25મીમી વરસાદ પડ્યો હતો. મંગળવારે 10 મીમી તથા બુધવારે 15 મીમી વરસાદ નોંધાયો હતો. શહેરના કેટલાક વિસ્તારો જેવાં કે પાણીગેટ, વાઘોડિયારોડ, સોમાતળાવ વિસ્તારને બાદ કરતાં શહેરમાં બુધવારે સાંજે ગોરવા, સયાજીગંજ, કારેલીબાગ, રાવપુરા, માંજલપુર, છાણી, સમા હરણી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.
બિહાર અને બંગાળ તરફ થતા લો પ્રેશર ને કારણે બે સિસ્ટમ સક્રિય બની હોય મધ્યપ્રદેશ અને ગુજરાતમાં 27 સુધી થશે. રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે.જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. તા.26 ઓગસ્ટ બાદ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમ્બર માસ દરમિયાન અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા છે
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જોકે, હાલ ગુજરાત પર કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પરંતુ ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં થઇ શકે છે.