હવામાન વિભાગ દ્વારા બુધવારથી આગામી રવિવાર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 17
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર શરુ થઇ ગઈ છે ત્યારે સોમવારે રાતથી શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને મંગળવારે સાંજ સુધી અવિરત ધીમી ધારે વરસાદ પડવાનો સિલસિલો યથાવત રહ્યો હતો મંગળવારે શહેરમાં 25મીમી વરસાદ પડ્યો હતો જ્યારે મોસમનો કુલ વરસાદ 48મીમી નોંધાયો હતો.
રાજ્યમાં સોમવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ સોમવારે રાતથી હળવો વરસાદ વરસી રહ્યો છે અને મંગળવારે પણ આખો દિવસ હળવો વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે શહેરના વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. શહેરમાં મંગળવારે સાંજ સુધીમાં 25મીમી વરસાદ ખાબક્યો હતો અને મૌસમનો કુલ વરસાદ 48મીમી નોંધાયો છે. વરસાદને પગલે મહત્તમ તાપમાનમાં 5.2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો નોંધાયો હતો જેના કારણે શહેરમાં મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું સાથે જ લઘુત્તમ તાપમાન 25.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ વધતાં 89% રહેવા પામ્યું હતું. હવામાનમાં બદલાવ સાથે વિધિવત ચોમાસાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે જેના કારણે લોકોને અસહ્ય ઉકળાટભર્યા વાતાવરણ તથા ગરમીથી રાહત જણાઇ છે. બીજી તરફ શહેરમાં પ્રથમ હળવા વરસાદમાં કેટલાક નીચાણવાળા તથા ખાડા ખોદેલા સ્થળોએ પાણી ભરાઇ જતાં વાહનચાલકો, રાહદારીઓને હાલાકી વેઠવી પડી હતી તો સમા તળાવ ખાતે બ્રિજની કામગીરી ને પગલે એક તરફના રોડ પર સાંજના સુમારે ટ્રાફિકનો ઘસારો જોવા મળી રહ્યો છે. શહેરમાં કેટલાક વિસ્તારોમાં રોડ પર કામગીરી ને કારણે એક તરફના માર્ગે ટ્રાફિક નો ઘસારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ ની આગાહી મુજબ બુધવારથી આગામી રવિવાર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા આગામી સાત દિવસ ભારે વરસાદની શક્યતા ને ધ્યાનમાં રાખીને કેટલાક શહેરોમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાત, દક્ષિણ તથા ઉતર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.