શહેરના ચકલી સર્કલ નજીક વધુ એક જોખમી ભૂવો પડ્યો..
પાલિકા તંત્રે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભૂવા ફરતે કોર્ડન ન કરતાં લોકોએ આડાશ ઉભી કરી..
સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં સ્માર્ટ પાલિકા તંત્ર તથા તેના સ્માર્ટ અધિકારીઓ,શાશકોની અણઘડ નીતિઓને કારણે ગત મહિને શહેરમાં ત્રણ દિવસ સુધી પૂરપ્રકોપને કારણે ઘણું નુકસાન થયું છે. લોકોને નુકસાન થયું જ છે પરંતુ ત્યારબાદ પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરોને રોડરસ્તાઓ બનાવવા, રિસર્ફેસીંગ, કાર્પેટિંગ કરવા કામગીરી સોંપવામાં આવ્યા બાદ તે કામગીરી પર યોગ્ય મોનિટરિંગ લેવાની તસદી પાલિકાના સ્માર્ટ અધિકારીઓએ ન રાખતાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા રોડરસ્તાઓ પર ખાડાઓ, ભૂવાઓ પડવાના શરૂ થયા હતા જે સિલસિલો હજી સુધી ચાલી રહ્યો છે. શહેરના કારેલીબાગ, સંગમ ચારરસ્તા, ઉમા ચારરસ્તા, વાઘોડિયારોડ, ફતેગંજ, સહિતના વિસ્તારોમાં ભૂવા પડ્યા બાદ હવે છેલ્લા બે દિવસથી ચકલી સર્કલ પાસે જોખમી ત્રણ ફૂટ પહોળો અને પાંચ ફૂટ ઉંડો ભૂવો પડ્યો હતો. અહીંથી દરરોજના હજારો વાહનો ચકલી સર્કલથી નટુભાઇ સર્કલ તરફ જતાં હોય છે છતાં પાલિકા તંત્ર દ્વારા આ જોખમી ભૂવાનુ પૂરાણ કરવાની તસદી લીધી નથી કે આ ભૂવા ફરતે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઇ આડ બેરિકેટીંગ ઉભી કરવામાં ન આવતા આસપાસના લોકોએ અહીં ઝાડી, પત્થર ઇંટોના ટૂકડાથી આડ ઉભી કરી છે. વડોદરા હવે ‘ખાડોદરા નગરી’ ની સાથે સાથે ‘ભૂવાનગરી’ તરીકે ઓળખાવવા લાગી છે. પાલિકાનું તંત્ર જાણે ખાડે ગયું છે. લોકો રોડટેક્સ, વેરા ભરે છે છતાં શહેરીજનોને રખડતાં પશુમુક્ત,ખાડાઓ અને ભૂવાઓ વિનાના રોડરસ્તાઓ,પીવાના શુધ્ધ અને પૂરતા પાણી, સ્વચ્છતા આપવામાં પોતાને સ્માર્ટ કહેડાવતુ પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે પરિણામે જનતાને હાલાકી ઉઠાવવાનો વારો આવે છે.